અમદાવાદ :સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. તો બીજી તરફ લોકો પણ જાગૃત બનતા સાયબર ગઠિયાઓ હવે સરકારી ઇ મેઈલ આઈડીનો ઉપયોગ કરી સાઇબર ફ્રોડને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ફરિયાદ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરી છે.
મેઈલ આઇડી અને તેની ફોર્મેટ યોગ્ય નહીં : પહેલા ન્યૂડ ફોન કોલ, પછી બેન્ક લોન ફ્રોડ અને હવે સરકારી મેઈલ આઇડીનાં ઉપયોગ કરી લોકોના ડેટા મેળવવા અને બેંકમાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી સાઇબર ફ્રોડનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી, કે એક સરકારી ઈ-મેઇલ આઇડી પરથી ડેટા માંગવામાં આવી રહ્યો છે, જે મેઈલ આઇડી અને તેની ફોર્મેટ યોગ્ય લાગતું નથી. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આ મેઈલ આઇડી નકલી હોવાનું સામે આવ્યું હતું. નકલી મેઈલ આઈડી બનાવનાર અને અલગ અલગ કંપની તેમજ બેન્ક માંથી એકાઉન્ટ માહિતી માંગનાર રાજસ્થાનના સાગર ફૂલરામની ધરપકડ કરી છે.
ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા :પોલીસે આરોપી સાગરની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે કોઈ પણ સરકારી મેઈલ આઇડી પાછળ gujarat.gov.in લાગતું હોય છે, જે સરકારી ઈમેઇલ આઈડી માનવામાં આવેં છે. આવો જ એક મેઈલ આઈડી આરોપી સાગરે બનાવી હતી. એજ્યુકેશન વિભાગની સરકારી મેઈલ આઇડી બનાવી GSWANમાંથી બધા એક્સેસ લીધા હતા. મેઈલ આઇડી બનાવવા આરોપી સહારે ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા હતા અને ઓનલાઇન ડાઉનલોડ પણ કર્યા હતા. ખોટા સરકારી મેઈલ આઇડી બનાવી આરોપી સાગરે અમુક કંપનીઓને મેઈલ કર્યા હતા. જેના અલગ અલગ વિગતો માંગી હતી.