અમદાવાદ : અમદાવાદનો જ નહીં પરંતુ રાજ્યનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના હાથે ચડ્યો છે. 20 વર્ષમાં જ વ્યાજખોર ધર્મેશ પટેલ અને તેનો પરિવાર અંદાજે 2000 કરોડની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે. 20 ગુનાઓમાં સંડોવાયેલ ધર્મેશ પટેલ અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી વધુ તપાસ હાથ ધરી છે. ગુનામાં સંડોવાયેલા 24 આરોપીમાંથી અત્યાર સુધીમાં આઠની ધરપકડ કરતા ઘણી હકીકતો સામે આવી છે. તેવામાં પોલીસે પશ્ચિમ બંગાળમાંથી મુખ્ય આરોપીના પુત્ર પ્રેમ પટેલની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને નારોલ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. વેપારી કમલ ડોગરાએ કોરોનાના સમયમાં તેના ધંધાને અસર પડતા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સહિત 8 લોકો પાસેથી 12 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 37 કરોડ ચૂકવ્યા પણ હતા. આટલું જ નહિ પણ હજી વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધાક ધમકીઓ આપતા હતા. વ્યાજખોરોએ વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણથી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટોકન લઈ તારીખો નક્કી કરી લીધી હતી. જે ગુનામા નારોલ પોલીસે ધર્મેશ પટેલની ધરપકડ કરી હતી. જે બાદ હવે તેના પુત્ર પ્રેમની પણ ધરપકડ કરવામાં આવી છે.
48 બેન્ક એકાઉન્ટ : નારોલ પોલીસ મથકે નોંધાયેલા સમગ્ર મામલે કેસની તપાસ માટે ખાસ SITની રચના કરવામાં આવી છે. જેમાં નારોલ પોલીસ સ્ટેશનના PIની આગેવાનીમાં 3 PSI અને 4 પોલીસકર્મીઓ આ SITમાં તપાસ કરી રહ્યા હતા. SIT દ્વારા તપાસ કરતા 11 આરોપીઓ વિરુદ્ધ નોધાયેલો ગુનો હવે 24 આરોપીઓ સુધી પહોચ્યો છે. સાથે જ પોલીસે વ્યાજખોરોની ઇનોવા કારમાંથી 26 કોથળા ભરેલા દસ્તાવેજો, 61 ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, 38 પાસબુક, 115 ચેકબુક મળી આવી છે. આ સમગ્ર કેસના મુખ્ય આરોપી ધર્મેશના નામે 25 બેન્ક એકાઉન્ટ છે, તેમજ પરિવારના મળીને કુલ 48 બેન્ક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે.જેમાં ખૂબ મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે.