અમદાવાદઃ શહેરમાંથી એક એવી ક્રુરતાની હદ પાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ચોરીની આશંકાથી પકડેલા યુવકને ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો. ઢાર તો ઠીક છે પણ એના પેન્ટમાં કપચી અને પથ્થર નાંખીને કમરથી નીચેના ભાગે બેલ્ટથી ફટાકારવામાં આવ્યો હતો. જેમાં બે આરોપીએ એવો માર માર્યો કે, યુવાનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
શું થયું હતુંઃઅમદાવાદ શહેરના વિસ્તાર એવા દાણીલીમડા બેરલ માર્કેટમાં મુજીબ અન્સારી રહે છે. જે સિલાઈકામ કરે છે. તેનો એક ભાઇ નદીમ માતા સાથે ફૈઝલનગરમાં રહેતો હતો. ગત 15મી જુનના રોજ વહેલી સવારે એક મહિલા સહીત સાત લોકો મુજીબના ઘરે આવ્યા હતા. તેના ભાઇએ ચોરી કરી હોવાનું કહી નદીમને લઇને આવ્યા હતા. જેથી મુજીબે ટોળામાં રહેલી મહિલાને કહ્યું કે, જો તેના ભાઇએ ચોરી કરી હોય તો તેને પોલીસને સોપી દો. આ તમામ શખ્સો નદીમને રીક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરીને કસાઇ જમાતની ચાલીમાં લઈ ગયા હતા.
અપહરણ કર્યુઃકસાઇ જમાતની ચાલીમાં આ યુવાનને દોરડાથી ખુરસી સાથે બાંધી રૂમમાં બંધ કરી દીધો હતો. બાદમાં તેને દંડાથી માર મારી તેના હોંશમાં આવતા પરિવારને સોંપી દીધો હતો. યુવકને તેના પરિવારજનો હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એનું મોત નિપજ્યુ હતું. જેને લઇને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલા જ્યારે યુવક માર ખાઈ રહ્યો હતો એ સમયે બેલ્ટથી મારનારને ઉશ્કેરી રહી હતી. પોલીસ તપાસ દરમિયાન હકીકત જાણવા મળી હતી.