ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : ઝડપની મજા તમારા ખિસ્સા કરશે ખાલી, અમદાવાદ પોલીસ દ્વારા ઓવર સ્પીડ વાહનો મામલે સખત વલણ

મેગાસિટી અમદાવાદમાં વાહનોની ગતિમર્યાદાનો નિયમ ન પાળનારા લોકો માટે ચેતી જવાનો સમય આવી ગયો છે. અમદાવાદ પોલીસ દ્વારા ઓવર સ્પીડ વાહનો મામલે સખત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેમાં સ્પીડ ગન સહિત ટેકનોલોજીના ઉપયોગ થકી કેટલાક સાધનોથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

Ahmedabad Crime News : ઝડપની મજા તમારા ખિસ્સા કરશે ખાલી, અમદાવાદ પોલીસ દ્વારા ઓવર સ્પીડ વાહનો મામલે સખત વલણ
Ahmedabad Crime News : ઝડપની મજા તમારા ખિસ્સા કરશે ખાલી, અમદાવાદ પોલીસ દ્વારા ઓવર સ્પીડ વાહનો મામલે સખત વલણ

By

Published : Feb 23, 2023, 9:26 PM IST

અમદાવાદમાં વાહનોની ગતિમર્યાદાનો નિયમ ન પાળનારા લોકો માટે ચેતી જવાનો સમય

અમદાવાદ : ઝડપની મજા મોતની સજા, આ સૂત્ર ખરા અર્થમાં સાર્થક થતું અવારનવાર જોવા મળે છે. જોકે છતાં પણ વાહન ચાલકોને ઓવર સ્પીડિંગમાં વાહનો ચલાવવામાં ન તો દંડનો દર જોવા મળે છે ન તો પોલીસનો. તેવામાં પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગ મામલે કડકમાં કડક કાર્યવાહી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. છતાં પણ વાહન ચાલકોની ગતિ હજુ પણ વધુ જોવા મળી રહી છે.

કડક ઝુંબેશ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ રીતે ડ્રાઇવ યોજીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ અને વાહનો જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરતી હોય છે. પરંતુ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓવર સ્પીડિંગને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કારણ કે ઓવર સ્પીડિંગના કારણે અનેક વખત ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે અને વાહન ચાલકોના જીવ જાય છે.

રોડ સાઈડમાં ઉભેલી આવી ગાડી જોઇ ચેતી જજો

ઓવર સ્પીડિંગ સામે કાર્યવાહી: જોકે અનેક કિસ્સામાં વાહન ચાલકોને એ પણ ખ્યાલ નથી હોતો કે કયા રસ્તા ઉપર વાહનોની સ્પીડ લિમિટ કેટલી છે. જેથી કરીને અનેક વખત ઓવર સ્પીડિંગના ચલણ પણ વાહનચાલકોને ભરવા પડતા હોય છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગન તેમજ અન્ય માધ્યમો થકી ઓવર સ્પીડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં

9 સ્પીડ ગન કાર્યરત : વાત કરવામાં આવે તો ચાલુ વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગ બાબતે 24 હજાર 476 જેટલા કેસ કરવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરમાં 9 વાહનોમાં 9 સ્પીડ ગન કાર્યરત છે. જેના થકી ઓવર સ્પીડિંગની સામે કામગીરી કરવામાં આવી રહી છે.

સ્પીડ ગનમાં પકડાશો તો થશે દંડ

ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ : સ્પીડ ગનની વાત કરવામાં આવે તો શહેર વિસ્તારના ભાડજ રીંગરોડ, સિંધુભવન રોડ, કરાઈ એસપી રીંગ રોડ, દાસ્તાન સર્કલ રીંગરોડ, વૈષ્ણોદેવી સર્કલ, એસજી હાઇવે, ગામડી, પીરાણા, બોપલ રીંગ રોડ જેવા વ્યુહાત્મક વિસ્તારોમાં ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ કરી તેમાં રહેલી સ્પીડ ગન થકી ઓવર સ્પીડિંગ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.

શું છે સ્પીડ લિમિટ અંગેની જોગવાઈ : રસ્તા પર દોડતા જુદા જુદા વાહનો અંગે સ્પીડ લિમિટની વાત કરીએ તો મોટર સાયકલ એટલે કે ટુ વ્હીલરને ગામડાઓના રોડ ઉપર 40, મુખ્ય રોડ ઉપર 50, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રસ્તા ઉપર 50 જ્યારે સ્ટેટ હાઇવે પર અને નેશનલ હાઈવે પર 60 અને એક્સપ્રેસ હાઈવે ઉપર 80થી મહત્તમ સ્પીડ પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જ્યારે થ્રી વ્હીલરને ગામડાઓના રસ્તા પર 30, મુખ્ય રસ્તાઓ પર 35, કોર્પોરેશન વિસ્તારમાં 40 અને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર 50ની મહત્તમ સ્પીડ નક્કી પ્રતિ કલાક કરાઈ છે.

આ પણ વાંચો ઓવર સ્પીડ પર લગામ લગાવવા શું કરશે ટ્રાફિક પોલીસનો પ્લાન?

કાર સહિત ભારે વાહનો માટે સ્પીડ લિમિટ : જ્યારે મોટર કારની વાત કરવામાં આવે તો મહત્તમ 8 સીટ ધરાવતી ગાડીઓને ગામડાઓના રોડ પર 50, મુખ્ય રોડ પર 60, કોર્પોરેશન વિસ્તારમાં રસ્તાઓ પર 70 જ્યારે સ્ટેટ હાઇવે પર 80 અને નેશનલ હાઈવે પર 100 અને એક્સપ્રેસ હાઈવે પર મહત્તમ 120 ની સ્પીડ લિમિટ પ્રતિ કલાક નક્કી કરાઈ છે. તો માલ વાહક વાહનોને ગ્રામ્ય રસ્તાઓ પર 40, મુખ્ય રસ્તાઓ પર 60, કોર્પોરેશનના રસ્તાઓ પર 60 અને સ્ટેટ હાઇવે પર 70, નેશનલ હાઇવે પર 80 જ્યારે એક્સપ્રેસ હાઇવે પર પણ 80 ની સ્પીડ લિમિટ પ્રતિ કલાક નક્કી કરાઈ છે.

શું છે દંડની જોગવાઈ : ટ્રાફિક પોલીસના જાહેરનામા મુજબ ઓવર સ્પીડિંગના કેસમાં ટુ વ્હીલર ચાલકને અને થ્રી વ્હીલર ચાલકોને 1500 રૂપિયાનો દંડ પ્રથમવાર કરવામાં આવે છે જ્યારે લાઈટ મોટર વ્હીકલને 2,000 નો દંડ કરવામાં આવે છેઝ તેમજ ટ્રેક્ટર સહિતના વાહનોને 4000 રૂપિયાનો દંડ પ્રથમ વાર કરવામાં આવે છે અને આ દંડ બીજી વાર 500 વધી જતું હોય છે.

અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો હેતુ : અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર તેમજ એસ.જી હાઇવે અને રીંગરોડ ઉપર ઓવર સ્પીડિંગના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં વાહન ચાલકો ન માત્ર પોતાના જીવ તેમ જ આસપાસના વહનચાલકોના પણ જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર સ્પીડ લિમિટના બોર્ડ મૂકવામાં આવ્યા છે, તેમજ સ્પીડ ઓવર હોય તેવા કિસ્સામાં કાર્યવાહી માટે કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકો દ્વારા નક્કી કરવામાં આવેલી સ્પીડ પર જ વાહન ચલાવવામાં આવે અને અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય.

જોઈન્ટ સીપી ટ્રાફિકની પ્રતિક્રિયા : આ અંગે અમદાવાદ શહેર જોઈન્ટ સીપી ટ્રાફિક એન. એન. ચૌધરીએ જણાવ્યું હતું કે ઓવર સ્પીડિંગ એ માત્ર પોતાના માટે નહીં પરંતુ આસપાસના લોકો માટે પણ જોખમી છે. વાહન ચાલકોને તેમના વાહનની નક્કી કરેલી સ્પીડમાં વાહનો ચલાવવા જોઈએ. જેથી અકસ્માતની સંખ્યા ઘટાડી શકાય.

ABOUT THE AUTHOR

...view details