અમદાવાદ : નશાકારક કફ સીરપ બનાવવાના આશયથી ગેરકાયદે રીતે મેળવેલ પ્રતિબંધિત નાઈટ્રાઝેપામ ગોળીઓ - NITRAZEPAM TABLETS 49 નંગ ઝડપાયાં છે. આ સાથે કુલ 18 લિટર નાઈટ્રાઝેપામ મિશ્રણવાળા પ્રવાહી સાથે એક વ્યક્તિને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
એનડીપીએસ એક્ટ હેઠળના કેસો :અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સંદર્ભે સઘન કાર્યવાહી કરતાં મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન મુજબ ગત રોજ 29 નવેમ્બરના રોજ પોલીસ ઇન્સપેકટર એસ.જે.જાડેજા તથા ટીમના સભ્યોએ દરોડો પાડી નશાકારક પદાર્થ સહિત આરોપીને ઝડપી લીધો હતો. ટીમને મળેલી બાતમીમાં હકીકત તપાસના આધારે NDPS એક્ટ હેઠળની સફળ રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપી મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણને પકડ્યો :પોલીસ ઇન્સપેકટર એસ.જે.જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં આવેલ ધ્રુવનગર સોસાયટીમાં મકાન નં. 34 ખાતે રહેતો મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણ નામનો વ્યક્તિ ગેરકાયદે રીતે નશાકારક પ્રવાહી તૈયાર કરી તેનુ વેચાણ કરે છે. જે અનુસંધાને ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર.બલાત તથા સ્ટાફ સાથે તેના રહેણાક મકાને રેઇડ કરી આરોપી મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણને પકડ્યો હતો. તેની પાસેથી સૂકી ખાંસી મટાડવાના ઉપયોગમાં લેવાચું સીરપ મેટાહીસ્ટ-એસ 18 લીટર તથા એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત નાઈટ્રાઝેપામની ગોળીના 49 નંગ પણ પકડી પાડવામાં આવેલા હતાં.
પોલીસે કબજે કરેલ મુદ્દામાલ :બાતમી બાદ થયેલી રદોડા કાર્યવાહીમાં આરોપી પાસેથી મળી આવેલ અને જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં મેટાહિસ્ટ પ્રેસ સહિતના દવાઓ બનાવવામાં વપરાતા દ્રવ્યો, સીરપ વગેરે જપ્ત કરવામાં આવ્યાં છે. અંદાજે 14 લીટર (પ્લાસ્ટીકના કેન નંગ- 3 ), મેટાહીસ્ટ-એસ તથા નાઇટ્રાઝીપામ ટેબ્લેટસના મિશ્રણવાળુ શંકાસ્પદ પ્રવાહી અંદાજે 4.5 લિટર તેમ જ મોબાઇલ ફોન તથા Rexodex નામની કફ શીરપના સ્ટીકર વગેરે પણ કબજે લેવાયાં હતાં.