અમદાવાદ : વ્હોટ્સએપમાં પ્રોફાઈલ પિક્ચરમાં સુંદર યુવતીનો મોહક ચહેરો હોય અને એ નંબર પરથી વિડીયો કોલ આવે અને કોલ ઉપડતાની સાથે જ સુંદર યુવતી પોતાના વસ્ત્રો એક એક કરીને ઉતારવા લાગે એટલે એક મિનિટ માટે તો કોઈ પણ યુવક મોહિત થઈ જાય. પરંતુ આ એક કોલ તમારા બેન્ક એકાઉન્ટને સાફ કરી શકે છે અને તમારી વર્ષોની કમાયેલી આવકને એક સેકેન્ડમાં છીનવી શકે છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકો આ પ્રકારની ઠગાઈનો શિકાર બન્યા છે તેવામાં આજે અમે તમને સમજાવીશું શું છે સેક્સટોર્શન અને કઈ રીતે લોકો બની રહ્યાં છે તેનો શિકાર.
મોબાઇલ હની ટ્રેપ :સોશિયલ મીડિયાના અને ટેકનોલોજીના યુગમાં હવે ઘરમાં ઘૂસીને તિજોરીનું તાળું તોડીને પૈસા દાગીના અને કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરવી એ ટ્રેન્ડ બદલાતો જોવા મળે છે. કોઈપણ પ્રકારે લોકોને સંપર્ક કરી તેઓના બેન્ક ખાતામાં રહેલા પૈસા બારોબાર ક્યાંય પણ ગયા વિના મેળવીને ફ્રોડ કરવું તે સરળ બન્યું છે. જોકે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોય છે અને તેમાં પણ સૌથી કારગત આઈડિયા તે વીડિયો કોલમાં હની ટ્રેપમાં લોકોને ફસાવીને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો છે.
આ પણ વાંચો Patan Crime: ફોનમાં મહિલાનો અવાજ સાંભળી વેપારી ફસાયો હનીટ્રેપમાં, પોલીસે કરી 5ની ધરપકડ
મોડસ ઓપરેન્ડી : આ ગુનામાં સામેલ ટોળકી પહેલા તો સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં એડ થઈને મિત્રો અને પરિવારજનોની આઈડી મેળવી લે છે. જે અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ કરવામાં આવે છે જેમાં સુંદર યુવતીનો ફોટો હોય છે. જે યુવતી પોતાના વસ્ત્રો ઉતારીને ભોગ બનનારને પણ કપડાં ઉતારી પ્રાઇવેટ પાર્ટ બતાવવા આગ્રહ કરે છે. જેથી સામેની વ્યક્તિ ખરેખર કોણ છે તે બાબત જાણયા વિના મોહમાં આવીને યુવક પોતાના કપડા કાઢી નાખે છે અને તે જ સમયે સામેની વ્યક્તિ યુવકનો વિડીયો રેકોર્ડ કરી ફોન કાપી નાખે છે અને થોડા સમય બાદ પૈસા પડવાનો ખેલ શરૂ થઈ જાય છે.
પૈસા પડાવવાનો ખેલ :આરોપીઓ પહેલા ભોગ બનનારને તેના મિત્રોના નામ અને તેઓની સોશિયલ મીડિયા પ્રોફાઈલ બતાવી ભોગ બનનારનો વિડીયો તેઓને મોકલી દેવાની ધમકી આપી પૈસા ખંખેરી લે છે. અમુક વાર આરોપીઓ દિલ્હી સાયબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચ જેવી એજન્સીના ઉચ્ચ અધિકારી બનીને પૈસા પડાવે છે જેથી ઠગાઈની રકમ લાખોમાં પહોંચી જાય છે.