અમદાવાદ : મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. કિરણ પટેલે પોતે પીએમઓ કાર્યાલયના અધિકારી હોવાની ઓળખ આપી પોતાને કાશ્મીર ડેવલોપમેન્ટની જવાબદારી સોંપી હોવાની વાતો કરી હતી. કિરણ પટેલે ફરિયાદીને પીએમઓ ઓફિસમાં ડાયરેક્ટર તરીકેની ઓળખનું વીઝીટીંગ કાર્ડ વ્હોટ્સએપ કરી વિશ્વાસ કેળવી પોતે પીએમઓ કાર્યાલયમાં અધિકારી ન હોવા છતાં ખોટી ઓળખ આપી કાશ્મીર ખાતે મોટી ઈવેન્ટ અપાવવાની લાલચ આપી હતી.
કેટલી રકમની છેતરપિંડી : ડો. હાર્દિક ચંદારાણાએ ફરિયાદ નોંધાવી હતી કે કિરણ પટેલે G20 સમિટના બેનર હેઠળ હયાત હોટલમાં 1 લાખ 91 હજાર 514 રૂપિયાનો તેમજ કાશ્મીર ખાતે મોટી ઇવેન્ટ અપાવવાના બહાને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ તથા લલિત હોટલના રૂમનું ભાડું મળી 1 લાખ 60 હજાર એમ કુલ મળીને કુલ 3 લાખ 51 હજારથી વધુનો ખર્ચ ફરિયાદી પાસે કરાવી પૈસા પરત ન આપી છેતરપિંડી આચરી હતી.
ફરિયાદી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અમદાવાદના થલતેજમાં રહેતા ડો. હાર્દિક ચંદારાણાએ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદી પોતે થલતેજમાં રહેતા હોય અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હોય તેઓ આંબાવાડી જીએસટી ભવન સામે RX ઇવેન્ટ નામથી કંપની ધરાવે છે. જાન્યુઆરી 2023 માં કિરણ પટેલે તેઓને ફોન કરીને પોતે એક ઇવેન્ટ કરવાનો હોય જેનું મેનેજમેન્ટ કામ આપવાનું છે, તેવું કહીને જે બાદ 10 જાન્યુઆરી 2023 ના રોજ કિરણ પટેલ ફરિયાદીની ઓફિસે આવ્યો હતો અને ઇવેન્ટ બાબતે ચર્ચા કરી ઓફિસમાં બેઠા બેઠા ગેસ્ટના નામો ફરિયાદીને વ્હોટ્સએપ કરી અને વેન્યુ માટે આશ્રમ રોડ સ્થિત હયાત હોટલ નક્કી કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ અને અન્ય પુરાવાઓ અંગે તપાસ કરી શરુ
પીએમઓ કાર્યાલયની ઓળખ આપી : આ દરમિયાન કિરણ પટેલે ફરિયાદીને પોતે હાલ પીએમઓ કાર્યાલયમાં કામ કરતો હોય અને કાશ્મીર ડેવલોપમેન્ટની જવાબદારી સોંપી હોય "હું તમને કાશ્મીરમાં મેડિકલ કોન્ફરન્સની મોટી ઈમેજનું કામ આપીશ" એવું જણાવીને પોતે પીએમ ઓફિસમાં એડિશનલ ડાયરેક્ટર હોય તેવું વીઝીટીંગ કાર્ડ વ્હોટ્સએપ કર્યું હતું અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ઇવેન્ટ માટે તૈયાર કર્યા હતા.
ઇવેન્ટનો ખર્ચ ફરિયાદીએ ચૂકવ્યો : જે બાદ કિરણ પટેલે 29th event @હયાત વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં ફરિયાદીને પણ એડ કરી G20 SUMMIT : SCOPE AND PRIORITIES FOR VARIOUS INDUSTRIES ના વિષય હેઠળ એક બેનર બનાવવાનું તથા અલગ અલગ ચીફ ગેસ્ટના નામ અને ફોટા મોકલતા ફરિયાદીએ પોસ્ટર બનાવી આપ્યા હતાં. ત્યારબાદ તારીખ 29 જાન્યુઆરી 2023ના રોજ આશ્રમ રોડ હયાત રેજન્સી હોટલમાં ઇવેન્ટ કરવામાં આવી હતી, જે ઇવેન્ટનો કુલ ખર્ચ 1 લાખ 91 હજાર 514 રૂપિયા ખર્ચ ફરિયાદીએ ચૂકવ્યું હતું.
આ પણ વાંચો Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ
લલિત હોટલમાં રૂમ બુક કરાવી : જે બાદ કિરણ પટેલે ફરિયાદી હાર્દિક ચંદારાણાને જણાવ્યું હતું કે 8 ફેબ્રુઆરી 2023 થી 10 ફેબ્રુઆરી 2023 સુધી કાશ્મીર ખાતે તેની મેડિકલ કોન્ફરન્સની આયોજન માટે જવાનું છે. જેથી ફરિયાદીએ શ્રીનગરની એર ટિકિટ તથા લલિત હોટલમાં રૂમ બુક કરાવ્યું હતું અને જેના આધારે તેઓ શ્રીનગર ખાતે ગયા હતા અને હોટલ લલિત પેલેસમાં રોકાયા હતા. જેનો અંદાજિત ખર્ચ 1 લાખ 60 હજાર રૂપિયા થયું હતું. જે બાદ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ કિરણ પટેલે ફરિયાદીને કોન્ફરન્સ માટેની જગ્યા બતાવી હતી અને નજીકના ભવિષ્યમાં મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરીશું તે પ્રકારની વાત કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઇ :આ પ્રકારે જાન્યુઆરી 2023થી 10 ફેબ્રુઆરી 2023 દરમિયાન મહાઠગ કિરણ પટેલે ફરિયાદીને પોતે પીએમઓ કાર્યના અધિકારી હોવાની ઓળખ આપી કાશ્મીર ડેવલપમેન્ટની જવાબદારી સોંપવાની વાત કરીને પોતે પીએમ ઓફિસમાં એડિશનલ ડાયરેક્ટર હોય તેવું વીઝીટીંગ કાર્ડ મોકલી અને અલગ અલગ પ્રકારે 3 લાખ 51 હજાર 514 રૂપિયાનો ખર્ચ કરાવ્યો હતો અને તેઓની સાથે છેતરપિંડી આચરતા અંતે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરી રિમાન્ડની પ્રક્રિયા :મહત્વનું છે કે કિરણ પટેલ સામે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં અગાઉ કિરણ પટેલને નામદાર કોર્ટમાં રજૂ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 15મી એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરિવાર તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને હવે તેની સામે નોંધાયેલા નવા કેસ સંદર્ભે ફરીવાર કિરણ પટેલના રિમાન્ડ મેળવવા માટેની પ્રક્રિયા ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી શકે છે.