ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : કાચા સોનાના વેપારી સાથે 85 લાખની ઠગાઈ, જાણો સમગ્ર મામલો...

શહેરમાં અવારનવાર છેતરપિંડીના બનાવો બનતા હોય છે. ત્યારે હાલમાં કાચા સોનાના વેપારી સાથે 85 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો બન્યો હતો. કાચા સોનાના દલાલે વેપારી પાસેથી 1.35 કરોડ લીધા બાદ સોનાની ડિલિવરી નહોતી કરી. વેપારીને ઠગાયા હોવાની જાણ થતા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Ahmedabad Crime
Ahmedabad Crime

By

Published : Jul 25, 2023, 8:16 PM IST

અમદાવાદ : બાપુનગર વિસ્તારમાં વેપારીને કાચું સોનું આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ગોલ્ડ રિફાઇનરીનું કામ કરતા વેપારીને વિશ્વાસમાં લઈને પાંચ કિલો કાચું સોનું અપાવવાનો વાયદો કર્યો હતો. આંગડિયા પેઢી મારફતે 1.35 કરોડ રૂપિયા મંગાવી તેમાંથી માત્ર 50 લાખ રૂપિયાનું કાચું સોનું આપ્યું અને બાકીના પૈસા પરત ન આપી છેતરપિંડી આચરી હતી. આ બાબતે બાપુનગર પોલીસ મથકે 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

કાચાસોનાના વેપારી : વટવામાં રહેતા કૃણાલ પટેલ રખિયાલ ખાતે ગ્રેવીટી ત્રણ રસ્તા પાસે ગણેશ એસ્ટેટમાં ગુજરાત ગોલ્ડ રિફાઇનરીનો વેપાર કરે છે. તેઓના કારખાનામાં અલગ અલગ જગ્યાઓથી કાચું સોનું ખરીદી રિફાઇન કરવામાં આવે છે. પછી સોનાને બજારમાં ઓર્ડર મુજબ વેચાણ કરવામાં આવે છે. સાતેક મહિના અગાઉ તેમનો કાચું સોનું અપાવવાની દલાલીનું કામ કરતા અભિષેક નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. અભિષેકે અગાઉ બે વખત કાચા સોનાનો સોદો કરી આપ્યો હતો. જેના રુપીયા આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવવાનું કહેતા હતા. કૃણાલ પટેલ તે મુજબ પૈસા જમા કરાવતા અને કાચા સોનાની ડીલીવરી મળી જતી હતી.

સોનાનો દલાલ : વેપારીને કાચા સોનાની જરૂર હોય અભિષેકનો સંપર્ક કરતા તેણે આકાશ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. વેપારીએ પાંચ કિલો ગ્રામ કાચું સોનું લેવાનું જણાવ્યું હતું. આકાશ તેમજ અભિષેકે કાચા સોનાની કિંમત એક કરોડ 35 લાખ રૂપિયા જણાવી હતી. જેથી વેપારીએ સોનું ખરીદવાની તૈયારી બતાવી હતી. બંને શખ્સે વેપારીને બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતે આવેલ કે.વી એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવી દેવા કહ્યું હતું.

આંગડિયામાં પૈસા મંગાવતો : વેપારીએ આ આંગડિયા પેઢીમાં જ કેમ પૈસા જમા કરાવવા પડશે તેવું પૂછતા બંને જણાએ જણાવ્યું હતું કે, કે.વી એન્ટરપ્રાઇઝના માલિક મોહનલાલ સાથે પોતાની મિત્રતા છે. જો આપને શંકા હોય તો તેમની જોડે વાત કરવાનું કહીને મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી વેપારીએ મોહનલાલને ફોન કરતા તેણે આકાશ અને અભિષેક સારા માણસો છે તેમ કહ્યું હતું. પોતાની આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવી દો કોઈ વાંધો નહીં આવે તેવો ભરોસો આપ્યો હતો.

સોનાનો ઓર્ડર આપ્યો : અભિષેક અને આકાશે વેપારીને ઓર્ડર મુજબ સોનાની ડીલીવરી અશોક જોષી નામનો વ્યક્તિ આપી જશે તેમ કહીને તેનો મોબાઈલ નંબર આપ્યો હતો. કાચા સોનાની જરૂર હોવાથી 10 જાન્યુઆરી 2023 ના રોજ ફરિયાદી કૃણાલ પટેલ તેમના મિત્ર દીપક પટેલ તેમજ અલ્પેશ પટેલ સાથે બપોરના સમયે બાપુનગર ડાયમંડ માર્કેટમાં કે.વી એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાં કામ કરતા નીતિન પટેલ તેમજ હાર્દિક દરબારની પાસે એક કરોડ 35 લાખ રૂપિયા જમા કરાવી તેઓની ઓફિસે ગયા હતા.

પૈસા લઈને સોનું ન આપ્યું : ત્યારબાદ અશોક જોશી નામનાં વ્યક્તિએ વેપારીને ફોન કરીને તે કાચું સોનું લઈને નીકળી ગયો છે તેવુ જણાવ્યું હતું. વેપારીનું લોકેશન મંગાવતા વેપારીએ આંબાવાડીની ઓફિસનું લોકેશન આપ્યું હતું. આંગડિયા પેઢીના માલિક મોહનભાઈએ વેપારી સાથે વાત કરી જો તમારું મટીરીયલ આજના દિવસમાં નહીં આવે તો તમારા આપેલા પૈસા બીજા દિવસે સવારે 9 વાગે આસપાસ પરત મળી જશે, તેવું જણાવ્યું હતું.

કાચા સોનાનો સોદો કરવાના બહાને અભિષેક, અશોક જોષી, આકાશ, રિયાઝ ખાન પઠાણ, તરુણસિંહ જાડેજા, હનીફ ભાઈ મીર, મોહમ્મદ સાજીદ, મોહનલાલ ઉર્ફે મોહનભાઈ શિવરામ પિલ્લાઈ તેમજ હાર્દિક ચૌહાણ તમામ લોકોએ ભેગા મળીને છેતરપિંડી આચરી છે. આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ ફરાર હોવાથી તેઓની શોધખોળ ચાલુ છે.-- એસ.એન. પટેલ (PI, બાપુનગર પોલીસ સ્ટેશન)

આરોપી થયા ગાયબ :મોડી રાત સુધી અશોક જોષી કાચુ સોનું લઈને આપવા આવ્યો ન હતો. રાત્રિના સમયે ફોન કરીને બીજા દિવસે આવવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 11 જાન્યુઆરી 2023 ના રોજ સવારના સમયે અશોક જોશીને ફોન કરતા તેણે બપોર સુધીમાં આવી જવાનું જણાવ્યું હતું. જોકે, તે ન આવતા વેપારીએ તેઓના માણસોને કે.વી એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં પૈસા પરત લેવા માટે મોકલ્યા હતા. તે વખતે આંગડિયા પેઢી તાળું મારેલી હોય નીતિન પટેલને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવ્યો હતો. જેથી અવારનવાર તે પેઢીના માલિક મોહનલાલ સાથે વાતચીત કરતા હતા. પરંતુ તેઓએ પણ સંતોષકારક જવાબ ન આપ્યો હતો. અશોક જોષીએ પણ કાચુ સોનું લઈને ન આવીને પોતાનો ફોન બંધ કરી દીધો હતો.

રુપીયાનો ભાગ પડ્યો :થોડા દિવસ પછી આંગડિયા પેઢીના કર્મચારી નીતિન પટેલે ફરિયાદીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, તમે 10 મી જાન્યુઆરી 2023 ના રોજ આંગડિયા પેઢી ખાતે 1.35 કરોડ રૂપિયા જમા કરાવી ગયા હતા. ત્યારબાદ મોહનલાલ શેઠે તેમાંથી 75 લાખ રૂપિયા અશોક જોશીના માણસને આપવાનું કહેતા 75 લાખ રૂપિયા અનિલ સ્ટાર્ચ ખાતે આવી આપી દીધા હતા. મોહનલાલે ફોન કરીને બાકીના પૈસામાંથી પાંચ પાંચ લાખ રૂપિયા બંને જણાને લઈ લેવાનું કહ્યું હતું. બાકીના પૈસા આંગડિયા મારફતે પોતાને મોકલવાનું કહ્યું હતું. તેમજ પોતાનાં મોબાઇલ અને મકાન બંધ કરી મુંબઈ આવી જાઓ, તેવું કહેતા હાર્દિક ચૌહાણ પાંચ લાખ રૂપિયા લઈ લીધા હતા.

ગપલું કર્યું :નીતીન પટેલને મોહનલાલ ઉપર શંકા જતા અને પોતાના ઉપર આક્ષેપ થાય તેવું લાગતા તે ડરી જતા ગામડે જતા રહ્યો હતો. હાર્દિક ચૌહાણ પણ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે મોહનલાલે નીતિન પટેલના પિતાને ફોન કરીને બાકીના પૈસા આંગડિયા દ્વારા મુંબઈ મોકલી આપો જો પૈસા નહીં મોકલો તો તમારા છોકરાને પોલીસમાં પકડાવી દઈશ, તેવી ધમકી આપી હતી. જોકે, નીતિન પટેલ ગભરાઈ જતા વેપારી કૃણાલ પટેલને ફોન કરીને 50 લાખ આપી દીધા હતા.

લાખોની છેતરપિંડી :જોકે, વેપારીના બાકીના પૈસા બાબતે તેઓએ અવારનવાર મોહનલાલને ફોન કરતા પૈસા પરત આપવાનું જણાવતા હતા. પરંતુ વેપારીને વિદેશ જવાનું હોવાથી તે વિદેશ ગયા હતા. ત્યાંથી પરત આવતા તેઓને જાણવા મળ્યું હતું કે, તેઓની સાથે કાચા સોનાનો સોદો કરવાના બહાને અભિષેક, અશોક જોષી, આકાશ, રિયાઝ ખાન પઠાણ, તરુણસિંહ જાડેજા, હનીફ ભાઈ મીર, મોહમ્મદ સાજીદ, મોહનલાલ ઉર્ફે મોહનભાઈ શિવરામ પિલ્લાઈ તેમજ હાર્દિક ચૌહાણ તમામ લોકોએ ભેગા મળીને છેતરપિંડી આચરી છે. તેઓએ 1.35 કરોડમાંથી માત્ર 50 લાખ જ પરત કરી અન્ય 85 લાખ પરત ન કરી ઠગાઈ કરી હોય આ મામલે બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

  1. Ahmedabad Crime : સાયબર ઠગાઈનો શિકાર બનેલા લોકોને નાણાં પરત મળતાં થયાં, અમદાવાદ જિલ્લા એસપીની ઝૂંબેશ જાણો
  2. Ahmedabad Crime: ઈસનપુરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

ABOUT THE AUTHOR

...view details