અમદાવાદ:દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવે છે. ત્યારે હવે જેનરિક દવાઓની આડમાં દારૂની હેરાફેરીની ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્યની અસલાલી પોલીસે 2.36 લાખની 300 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ અન્ય રાજ્યમાંથી જેનરીક દવાઓની આડમાં આ જારૂનો જથ્થો લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. હાલ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
દવાની આડમાં દારૂ:અસલાલી પોલીસને બાતમી મળી હતી કે અસલાલી ગામમાં એક મંદિરના ખાંચામાં મોબાઇલ ટાવરની બાજુમાં રોડ ઉપર એક ટ્રકમાં દારૂનો જથ્થો છે. જેને લઇને પોલીસે ત્યાં જઇને ટ્રકના નંબર આધારે તપાસ કરી તો ટ્રાન્સ્પોર્ટના માલ સામાનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા જેનરીક દવાઓના બોક્ષની આડમાં 300 બોટલ દારૂનો જથ્થો હતો. જે પોલીસે કબજે કરી કુલદિપભાઇ નૈયરા, અનીલકુમાર જાટ અને કરમજીત જાટ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.