અમદાવાદ: માતા હીરાબેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્તવ્ય પાલનમાં લાગી ગયા હતા. તેઓ તરત જ એક સરકારી કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે ગુજરાતમાં રાજભવનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ગાંધીનગરમાં માતા હીરાબેનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કર્યા બાદ પીએમ મોદી હવે સીધા રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પહેલાથી નક્કી એક કાર્યક્રમમાં ભાગ લીધો છે.
લોકોની માંગી માફી:જોકે આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં PM મોદી પોતાની માતાના નિધનનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. સંબોધનમાં તેમેને જણાવ્યું હતું કે, 'મારા વ્યક્તિગત કારણોના લીધે હું તમારી વચ્ચે આવી ન શક્યો તે માટે હું તમારી ક્ષમા માંગુ છું.' બંગાળમાં આજે પીએમ મોદી 7,800 કરોડથી વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટોની શરુઆત કરાવી હતી. તેમાં કોલકાતા મેટ્રોની પર્પલ લાઈનના જોકા-તારાતલા ફેઝનું ઉદ્ધાટન, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેનું સૌથી મોટા સ્ટેશનોમાંથી એક ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશનનું 334.72 કરોડ રુપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે.
PM મોદીનું સંબોધન:આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે 30 ડિસેમ્બરની તારીખનું ઈતિહાસમાં ઘણું મહત્વ છે. 30 ડિસેમ્બર, 1943ના રોજ નેતાજી સુભાષે આંદામાનમાં ત્રિરંગો લહેરાવીને ભારતની આઝાદીનો ધ્વજ લહેરાવ્યો હતો. વર્ષ 2018 માં આ ઘટનાની 75મી વર્ષગાંઠ પર હું અંદમાન ગયો હતો અને એક ટાપુનું નામ પણ નેતાજીના નામ પર રાખ્યું હતું. તેમણે કહ્યું કે 21મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે ભારતીય રેલવેનો ઝડપી વિકાસ અને સુધાર જરૂરી છે. એટલા માટે કેન્દ્ર સરકાર ભારતીય રેલ્વેને આધુનિક બનાવવા માટે રોકાણ કરી રહી છે. આજે દેશમાં વંદે ભારત, તેજસ, હમસફર જેવી આધુનિક ટ્રેનો બની રહી છે. રેલવેને પણ એરપોર્ટની જેમ વિકસાવવામાં આવી રહી છે.
'જય શ્રી રામ' ના નારા:આ પહેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી તે કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે હાવડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર 'જય શ્રી રામ' ના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મમતા બેનર્જી સ્ટેજ પરથી નીચે ઉતરી અને દર્શકોમાં બેસી ગયા હતા. તેમણે શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત તેમણે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા હેઠળ પશ્ચિમ બંગાળ માટે અનેક સીવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો.
નેશનલ મિશન ફોર ક્લીન ગંગા:કેન્દ્રીય જલ શક્તિ મંત્રી, રાષ્ટ્રીય ગંગા પરિષદના સભ્યો, અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલને ગંગા નદી અને તેની ઉપનદીઓના પ્રદૂષણ નિવારણ અને પુનર્જીવિત કરવાની એકંદર જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી 990 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) હેઠળ વિકસિત 7 સીવરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (20 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 612 કિમી નેટવર્ક)નું ઉદ્ઘાટન કરશે.
5 સીવરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ: નબદ્વીપ, કાચરાપાડા, હલીશર, બજ-બેજ, બેરકપોર, ચંદન નગર, બાંસબેરિયા, ઉત્તરાપાડા કોટ્રંગ, બૈદ્યાબાટી, ભદ્રેશ્વર, નૈહાટી, ગરુલિયા, ટીટાગઢ અને પાણીહાટીની નગરપાલિકાઓને આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે. આ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળમાં 200 MLD કરતાં વધુની ગટર શુદ્ધિકરણ ક્ષમતામાં વધારો કરશે. પ્રધાનમંત્રી 1585 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) હેઠળ વિકસાવવામાં આવનાર 5 સીવરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (8 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 80 કિમી નેટવર્ક) માટે શિલાન્યાસ પણ કરશે.\
જોકા-તરતલા સેક્શનનું ઉદ્ઘાટન:પ્રધાનમંત્રીએ જોકા-એસ્પ્લેનેડ મેટ્રો પ્રોજેક્ટ (પર્પલ લાઇન)ના જોકા-તરતલા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. જોકા, ઠાકુરપુકુર, સાખેર બજાર, બેહાલા ચોરાસ્તા, બેહાલા બજાર અને તરતલા નામના 6 સ્ટેશનો ધરાવતો 6.5 કિલોમીટરનો વિભાગ 2475 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ઉદ્ઘાટનથી કોલકાતા શહેરના દક્ષિણ ભાગો જેવા કે સરસુના, પોસ્ટ ઓફિસ, મુચીપારા અને દક્ષિણ 24 પરગણાના મુસાફરોને ઘણો ફાયદો થશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ચાર રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત પણ કરશે.
માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન: ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમ દર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો.
હીરાબેનના નિધન પર શોક:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું, 'માતા હીરાબેન મોદીના નિધન પર પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. તેમને અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખની ઘડીમાં શક્તિ મળે.