ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાકાળમાં સોલા સિવિલની પ્રશંસનીય કામગીરી, 12 હજારથી વધું ઓપીડી અને 1000 જટિલ સર્જરી કરાઈ

કોરોનાકાળમાં લોકડાઉનની વચ્ચે રાજ્યની અનેકવિધ ખાનગી હોસ્પિટલ સારવારથી દૂર રહીં હતી, ત્યારે સરકારી હોસ્પિટલોમાં 24*7 સેવા-સુશ્રુષા, સારવારનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો હતો. રાજ્યની ઘણી સરકારી હોસ્પિટલમાં કોરોનાની સાથે સાથે નોન-કોવિડ કામગીરી તેમજ અતિ જટિલ સર્જરીઓ હાથ ઘરવામાં આવી હતી.

Sola Civil Hospital
સોલા સિવિલ હો સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.પીનાબેન સોનીસ્પિટલ

By

Published : Aug 29, 2020, 9:33 AM IST

અમદાવાદ: સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ દિવસ–રાત તબીબો અને સમગ્ર સોલા સિવિલ તંત્ર દ્વારા સારવારનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો. કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 12 હજારથી વધારે લોકોએ ઓ.પી.ડી.ની મુલાકાત લીધી હતી. કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કોવિડના 7056 સેમ્પલ લેવાયા છે. જેમાંથી 2268 દર્દીઓ કોરોના સંક્રમિત પોઝિટિવ જણાઇ આવ્યા છે. અન્ય જગ્યાએ સેમ્પલ ટેસ્ટીંગ કરાવીને સોલા સિવિલમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા 1024 રહી છે.

અત્યાર સુધીમાં કોરોનાના 7692 એડમીશન સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઇ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. કોરોનાકાળમાં સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દી મૃત્યુદર 1.8 ટકા રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની સમાંતરે અતિ જટિલ ઓપરેશન અને સર્જરીઓમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગની ટીમ દ્વારા અતિ જટિલ ગણાતી કુલ 648 સર્જરીઓ કરવામાં આવી છે. જ્યારે ઓર્થો વિભાગમાં 191 જેટલી જટિલ સર્જરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી 25 કોવિડ પોઝિટિવ દર્દીઓની સર્જરી રહી છે. સર્જરી વિભાગની 93 સર્જરી, કાન, નાક અને ગળાના વિભાગની કુલ 25 સર્જરીઓ, ઓપ્થલ વિભાગની 4 મળીને 1000 જેટલી અતિ જટિલ ગણાતી સર્જરીને સફળતાપૂર્વક કોરોનાકાળમાં કરવામાં આવી છે.

આ અંગે સોલા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. પીનાબેન સોની જણાવે છે કે, 22 એપ્રિલથી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના તમામ પ્રકારના માઇલ્ડ, મોડરેટ પ્રકારના દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સોલા સિવિલ હોસ્પિટલની લેબમાં અમદાવાદથી જ નહીં, પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ કોરોનાના સેમ્પલ ટેસ્ટિંગ માટે આવતા હતા. અત્યાર સુધીમાં 7000થી વધારે સેમ્પલ અમારી લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમારી 450 બેડની કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં ઓક્સિજનથી લઇને કોરોના સારવાર માટેની તમામ સુવિધાઓ સજ્જ છે. જેમાંથી 50 બેડ અતિ ગંભીર પ્રકારના દર્દીઓ માટે અલાયદા રાખવામાં આવ્યા છે, જેમાં વેન્ટીલેટરનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે અન્ય પ્રકારના અત્યાધુનિક સાધનો, મોનિટરીંગ સિસ્ટમ અમારી હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવી હતી. એલોપેથી સારવારની સાથે સાથે અમારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગા, કસરતની વિવિધ પ્રવૃતિઓની સાથે પુસ્તક વાંચનની પણ પ્રવૃતિ કરાવવામાં આવતી હતી.

ડૉ. સોની ઉમેરે છે કે, કોરોનાકાળમાં હોસ્પિટલના તમામ તબીબો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફના સહિયારા પ્રયાસના કારણે કોરોના મહામારીમાં અમે દર્દીઓની શ્રેષ્ઠ સેવા-શુશ્રુષા કરી શક્યા છીએ. તેમેજ સરકાર તરફથી પણ સ્વાસ્થયને લગતી તમામ જરૂરિયાત તેમજ સેવાઓ સમયસર પૂરી પાડવામાં આવતા દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી પડી નથી અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details