પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો મુક્ત કરાયેલા લોકો આસામ અને નાગાલેન્ડના હોવાથી ઝોન 5 ડીસીપી અક્ષયરાજ મકવાણાએ એક આઇપીએસ અધિકારીની પણ મદદ લીધી હતી. આ આઇપીએસ અધિકારી વર્ષ 2011માં ઝોન 5 ડીસીપી તરીકે રહી ચૂકેલા ગુજરાત કેડરના વાબાંગ જામીર છે. જેઓ મૂળ નાગાલેન્ડના હોવાથી તેમની મદદ લેવાઈ હતી.
નિકોલની ફેક્ટરીમાં બાંધુઆ મજૂરોને કામ કરાવનારા 3 આરોપીની ધરપકડ
અમદાવાદ:નિકોલ પોલીસે કઠવાડા જીઆઇડીસીમાં મજૂરી માટે લવાયેલા 94 જેટલા બંધુઆ મજૂરોને મજૂરી કામમાંથી મુક્ત કરાવ્યા બાદ હવે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીની નિકોલ પોલીસે ધરપકડ કરી છે.
આ કેસમાં પહેલા મુકેશ ભરવાડનુ નામ સામે આવ્યુ હતું અને તેની તપાસ કરતા નાગાલેન્ડ અને આસામના બે સહઆરોપીના નામ સામે આવ્યા છે. જેમા સિનોયહિલ પુટી, બીજોય પુટી ક્રિશ્ચિયન અને હોતનબી બાયોતુ ક્રિશ્ચિયન કે જે મુકેશના ફાર્મ પર હાજર હતા. તે ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે.
મુકેશ આસામના બે દલાલ મારફતે અહીંયા મજૂરો લઈને આવ્યો હતો અને તેમની પાસે દવાઓની ફેક્ટરીમાં કામ કરાવતો હતો. પોલીસ એવું માની રહી છે કે, આ મજૂરોને મજૂરીનું પેમેન્ટ ન્હોતું મળ્યું એટલે સમગ્ર બાબત બહાર આવી છે. એકતરફ ફેક્ટરી માલિક કહે છે મુકેશને મજૂરીનું ચેકથી પેમેન્ટ કર્યું છે. પણ મુકેશ હાલ પોલીસ સમક્ષ પેમેન્ટ ન મળ્યું હોવાનું કહે છે. જેથી પોલીસ પણ આ બાબતને લઈને ગૂંચવાઈ છે. ત્યારે કેટલાક મજૂરો બે ત્રણ વર્ષથી કામ કરતા હતા, જ્યારે કેટલાક ત્રણ ચાર માસથી આવ્યા હોવાનું સામે આવ્યું છે.