- ફેક એકાઉન્ટ ખોલીને છાપ ખરડવાથી માંડીને બેન્કિંગ ટ્રાન્ઝેકશનના રોજબરોજ બનતા બનાવો
- 'સાયબર ફોરેન્સિક ઈન્વેસ્ટિગેશન એન્ડ એથિકલ હેકિંગ' વિષય પર 6 દિવસીય ઈ-સેમિનાર
- ડિલીટ કરાયેલા ડેટાનું વિશ્લેષણ-તપાસ, સાયબર ગુના અંગે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું
અમદાવાદઃ ફેક એકાઉન્ટ ખોલીને યુવતીને છાપ ખરડવાથી માંડીને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન મારફતે છેતરપિંડીથી લઈ ATMમાંથી નાણા બારોબાર ઉપાડી લેવાના બનાવો અવારનરવાર બનતાં હોય છે. આ સાયબર ક્રાઈમના વધતાં જતાં ગુનાઓને ડામવા અને લોકોને જાગૃત કરવાના હેતુથી ઓક્ટોબર મહિનાને સાયબર સિક્યુરિટી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જીસેટ દ્વારા ઈ-સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સાઈબર ક્રાઈમને રોકવા રાષ્ટ્રીય પોર્ટલ “cybercrime.gov.in” અને ગુજરાત સરકારની 24×7 હેલ્પ લાઈન નંબર 112ની વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઈમની તપાસ અને ગુનાના સામાન્ય પ્રકારો, ક્રિમિનલ ટ્રેસિંગ સ્કિલ્સ, ડિલીટ કરાયેલા ડેટાનું વિશ્લેષણ અને તપાસ, સાયબર લૉ, સાયબર ક્રાઈમ્સ લાઈવ રિસ્પોન્સ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. GTUના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠની અધ્યક્ષતામાં યોજાયેલા સેમિનારમાં મુખ્ય અતિથી તરીકે, સી-ડીએસી હૈદરાબાદના એસોસિએટ ડિરેક્ટર સી.એચ.એ.એસ. મૂર્તિ, GTUના કુલસચિવ ડૉ.કે.એન.ખેર, જીસેટના ડિરેક્ટર ડૉ.એસ.ડી.પંચાલ અને વિષય તજજ્ઞો તરીકે અભિષેક ચૌબે અને અંબુજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.