પોર્ટ ઓફ સ્પેનઃ પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ દાવમાં 183 રનની લીડ લીધા બાદ ટીમ ઈન્ડિયાએ રોહિત અને ઈશાન કિશનની ધમાકેદાર બેટિંગના આધારે બીજી ઈનિંગમાં 2 વિકેટે 181 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝની ટીમને 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 2 આંચકા આપ્યા છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં યજમાન ટીમે 76 રન બનાવી લીધા હતા અને હજુ પણ તેને જીતવા માટે 289 રનની જરૂર છે.
ભારતે બીજો દાવ 181 રન પર ડિકલેર કર્યો:આ સાથે ઈશાન કિશનને પ્રમોટ કરીને ઝડપી બેટિંગ માટે ચોથા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને માત્ર 33 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી. ઈશાન કિશને 52 રનની ઈનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેની સાથે બેટિંગ કરી રહેલા શુભમન ગિલ માત્ર 29 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. આ રીતે ભારતે તેનો બીજો દાવ 181 રન પર ડિકલેર કર્યો હતો.