ભારતે 2 ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 318 રને હરાવ્યું હતું. 419 રનનો પીછો કરતું વિન્ડીઝ 100 રનમાં ઓલઆઉટ થયું હતું. આ વિન્ડીઝનો ભારત સામે લોએસ્ટ સ્કોર હતો. આ મેચમાં ભારત તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ, ઇશાંત શર્માએ 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. વિન્ડીઝ માટે 10મા ક્રમે બેટિંગ કરવા આવેલા કેમર રોચે સર્વાધિક 38 રન કર્યા હતા. ભારત પ્રથમ દાવમાં 297 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ 222 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે બીજા દાવમાં 7 વિકેટ ગુમાવીને 343 રનના સ્કોરે ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જેમાં રહાણેએ 102 રન અને વિહારીએ 93 રન કર્યા હતાં. આ રનનો પીછો કરતું વિન્ડીઝ 100 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારતે વિન્ડીઝને 318 રને હરાવ્યું, વિદેશી ધરતી પર કોહલીનો વિરાટ રેકોર્ડ - ક્રિકેટ
એંટીગા: ભારતે એંટીગા ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 318 રનથી હરાવી દીધુ છે. વેસ્ટ ઇન્ડિઝની સામે ચોથી ઇનિંગ્રસમાં ભારતે જીત માટે 419 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ વિન્ડીઝની સમગ્ર ટીમ માત્ર 100 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. આમ, વિદેશની ધરતી પર ભારતની સૌથી મોટી જીત થઈ છે. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ લધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. જેમાં કોહલી વિદેશી ધરતી પર સૌથી સફળ ભારતીય કેપ્ટન બન્યો છે.
વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વિદેશ ધરતી પર 12મી ટેસ્ટ જીત હાંસલ કરી છે. જેની સાથે જ કોહલીએ પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગૂલીને પાછળ છોડી દીધો છે. ગાંગૂલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે વિદેશની ધરતી રમાયેલી 28 ટેસ્ટ મેચમાંથી 11 જીત હાંસલ કરી હતી, જ્યારે કોહલીની કેપ્ટનશીપમાં ભારતે વિદેશની ધરતી પર 26 ટેસ્ટ રમી છે, જેમાંથી 12માં જીત હાંસલ કરી લીધી છે. આ સાથે જ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીને સૌથી સફળ ભારતીય કેપ્ટન હોવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. ધોનીએ 60 ટેસ્ટ મેચોમાં 27 જીત હાંસલ કરી લીધી હતી. કોહલીએ 47મી ટેસ્ટ મેચમાં તેની બરાબરી કરી લીધી.
જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનારો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં ડેરેન બ્રાવોને આઉટ કરીને બુમરાહે આ સિદ્ધિ મેળવી છે. બુમરાહે 11 ટેસ્ટમાં 50 વિકેટ લીધી છે. જોકે, વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીનો 13-13 ટેસ્ટમાં 50 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે. સ્પિનર્સમાં રવિચંદ્રન અશ્વિને 9 ટેસ્ટ અને અને અનિલ કુંબલેએ 10 ટેસ્ટમાં 50 વિકેટ પૂરી કરી છે. મહત્વનું છે કે, હવે સીરિઝની બીજી ટેસ્ટ 30 ઓગસ્ટના રોજ જમૈકામાં રમાશે.