નવી દિલ્હી:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ વનડે સિરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જ્યે રિચર્ડસન, ગ્લેન મેક્સવેલ અને મિશેલ માર્શને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવી છે. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં કાંગારૂઓ બે ટેસ્ટ મેચ હારી ચૂક્યા છે.
IND vs AUS:ભારતે નાગપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને 132 રને હરાવ્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા દિલ્હીમાં બીજી મેચ 6 વિકેટથી હારી ગયું હતું. ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો બેટિંગ કરી શકતા નથી. ત્રીજી ટેસ્ટ મેચ 1-5 માર્ચ દરમિયાન ઈન્દોરમાં રમાશે જ્યારે ચોથી મેચ 9-13 માર્ચ દરમિયાન અમદાવાદમાં રમાશે. ટેસ્ટ શ્રેણી પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે રમાશે.
મેક્સવેલ-માર્શની વાપસી:ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મિશેલ માર્શ અને મેક્સવેલ બંને સર્જરી કરાવ્યા બાદ ટીમમાં વાપસી કરી રહ્યા છે. ગ્લેન મેક્સવેલ આ અઠવાડિયે શેફિલ્ડ શીલ્ડમાં વિક્ટોરિયા માટે રમી રહ્યો છે અને માર્શ આ સપ્તાહના અંતમાં વન-ડે કપમાં વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા માટે રમે તેવી સંભવના છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝે રિચર્ડસન પણ ઈજા બાદ સ્વસ્થ થઈને પાછો ફર્યો છે.