મુંબઈ: બૉલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ '83' કોરોના વાઈરસના રોગચાળાને કારણે અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જો કે, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ ગ્રૂપના સીઈઓ શિબાશીષ સરકાર બાદ હવે આ ફિલ્મના ડિરેક્ટર પણ આ અહેવાલોને નકારી રહ્યા છે.
1983 માં ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતવાની વાર્તા પર આધારિત ફિલ્મ '83' માં, રણવીરે તત્કાલીન કૅપ્ટન કપિલ દેવની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે, ઘણા OTT પ્લેટફોર્મ તેના ડિજિટલ પ્રકાશન માટે ફિલ્મ નિર્માતાઓને રેકોર્ડ નાણાં ચૂકવવા તૈયાર છે.
સોશિયલ મીડિયામાં એવા સમાચાર પણ આવ્યા હતા કે, વૈશ્વિક OTT પ્લેટફોર્મ દ્વારા '83' ના નિર્માતાઓને ફિલ્મ વેચવા માટે 143 કરોડની ઓફર કરવામાં આવી છે.
વેપાર નિષ્ણાતોનું માનવું છે , આ ફિલ્મ થિયેટરોમાં 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરશે.
ફિલ્મના નિર્દેક કબીર ખાને પણ પુષ્ટિ કરી છે કે, નિર્માતાઓને સીધી ઓનલાઇન રજૂ કરવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ફિલ્મ મોટા પડદે રજૂ કરવામાં આવશે.
કબીર ખાને કહ્યું હતું કે, "83 તે મોટા સ્ક્રીન પર અનુભૂતિ થાય તે માટે કલ્પનાથી બનેલી એક ફિલ્મ છે અને અમે વસ્તુઓ સામાન્ય થાય તેની રાહ જોવા માટે તૈયાર છીએ અને ત્યારબાદ અમે તેને થિયેટરોમાં રજૂ કરીશું."
અગાઉ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપના સીઇઓ શિબાશીષ સરકારે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની કોઈ યોજના નથી.
દીપિકા પાદુકોણ રણવીર સિંહની પત્નીની ભૂમિકામાં છે, જે આ ફિલ્મમાં કપિલ દેવ બન્યા છે. આ સિવાય પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, તાહિર રાજ ભસીન, હાર્દિક સંધુ, એમી વિક, જીવ, સાહિલ ખટ્ટર, ચિરાગ પાટિલ અને આદિનાથ કોઠારે પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.