રુપ કી રાની, પોતાના મજેદાર અંદાજથી લોકોના દિલ પર રાજ કરનારી શ્રીદેવીનો આજે 56મો જન્મદિવસ છે. સિલ્વર સ્ક્રીન પર એવી ચાંદની બનીને ઉતરી કે જેના નૂરમાં જમાનો ડૂબી ગયો હતો. બૉલિવુડમાં હવા-હવાઇથી જાણીતી આપણને આટલી જલ્દી અલવિદા કહીને ચાલી ગઇ. 24 ફેબ્રુઆરી 2018ની રાત કે જેણે હિન્દી સિનેમાની એક અતિપ્રિય અદાકારાને આપણી પાસેથી છીનવી લીધી હતી. શ્રીદેવીના મોતના સમાચાર જાણીને તેમના પરિવાર સહિત તેમના ફેન્સને પણ મોટો આઘાત લાગ્યો હતો. 50 વર્ષના તેમના ફિલ્મી કરિયરમાં તેમણે એકથી એક ફિલ્મો આપી છે, જે હિન્દી સિનામા માટે કોઇ હીરાથી ઓછી નથી.
આ રીતે થઇ શ્રીદેવીની ફિલ્મોમાં એન્ટ્રીઃ
13 ઓગસ્ટ 1963માં તમિલનાડુના શિવકાશીમાં જન્મેલી શ્રીદેવીના પિતા વકીલ હતી. ફિલ્મી દુનિયા સાથે આ પરિવારને કોઇ જ સંબંધ ન હતો, પરંતુ એક ઘટનાએ શ્રીદેવીને ફિલ્મોમાં આવવા માટે મનાવી લીધી. એ સમયે શ્રીદેવીની ઉંમર માત્ર 4 વર્ષ હતી, પોતાના પિતા સાથે શ્રીદેવી એક રાજકીય સભામાં ગઇ હતી. તે સભામાં તેમના કાકાને જવાનું હતું, જે રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા. પરંતુ કોઇ કામને લીધે તે જઇ શક્યા નહીં અને તેમની જગ્યાએ શ્રીદેવીના પિતા અયપ્પનને ત્યાં મોકલવામાં આવ્યા. ત્યારે શ્રીદેવીએ પણ પોતાના પિતા સાથે જવાની જીદ્દ કરી હતી. આ સભામાં 4 વર્ષની શ્રીદેવીને કન્નડના ફેમસ કવિ કક્યિરાસરે જોઇ અને તેમના પિતા સાથે શ્રીદેવીને ફિલ્મોમાં મોકલવા માટેની વાત કરી હતી. કહી શકાય કે, તો આ રીતે શ્રીદેવીની બોલિવુડમાં એન્ટ્રી થઇ હતી.
સ્ટારડમ શ્રીદેવી માટે કોઇ નવી વાત નહતું. શ્રીદેવીએ જીવનમાં નામના તો એ ઉંમરથી મેળવી હતી, જ્યારે તેમની ઉંમર રમવાની હતી. આજની પેઢી એ જાણીને આશ્ચર્યચકિત રહી જશે કે, માત્ર 10 વર્ષની ઉંમરથી જ શ્રીદેવીને માત્ર જોઇને જ ફિલ્મોના રોલ લખવામાં આવતા હતા. શ્રીદેવી 10 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. શ્રીદેવીને પહેલી ફિલ્મ કંડન કરૂનાઇના શૂટિંગ માટે તેમના માતા-પિતા પોતાના ખોળામાં લઇને ગયા હતા. જોત-જોતામાં શ્રીદેવી 10 વર્ષની ઉંમરે સુપરસ્ટાર બની ગઇ હતી.
શ્રીદેવી હિન્દી જગતની પહેલી લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી છે. આ દુનિયામાં હવે શ્રીદેવીની માત્ર વાતો જ રહી છે. શ્રીદેવીએ એ દરેક વસ્તુઓ હાંસલ કરી જેના વિશે તેમણે વિચાર્યું હતું. પછી ભલે તે નામના હોય, પૈસા હોય, જીવથી પણ વધુ પ્રેમ કરનારો પતિ હોય અને પોતાના જીવથી પણ પ્યારી દિકરીઓ હોય. શ્રીદેવીની મોટી દિકરી જાન્હવી તો પોતાની પહેલી ફિલ્મથી સુપરહિટ થઇ ચૂકી છે. આ પળની રાહ હવા-હવાઇને લાંબા સમયથી હતી, પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે, પોતાની દિકરીને મોટા પરદે જોવાના સપના સાથે જ તે દુનિયાને છોડીને ચાલી ગઇ.