મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી દ્વારા એક કંપની ખોલવામાં આવી હતી અને સુશાંતના નિધન બાદ આ કંપનીનું IP એડ્રેસ અને ડોમેઇન બંને બદલવામાં આવ્યા હતા. પહેલા 23 જૂન અને ત્યારબાદ 7 ઑગસ્ટે આ ફેરફાર કરવામાં આવ્યો હતો.
સુશાંતના નિધન બાદ તેની અને રિયાની કંપનીનું IP એડ્રેસ બે વાર બદલાયું હતું - મુંબઈ પોલીસ
બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન અંગે ચાલી રહેલી તપાસમાં વધુ નવી વિગતો સામે આવી છે. સુશાંતના નિધન બાદ તેની અને રિયાની કંપનીનું IP એડ્રેસ બે વાર બદલવામાં આવ્યું હતું.
હાલમાં રિયા અને તેના ભાઇ શોવિક ચક્રવર્તીની ED દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમને શુક્રવારે અને શનિવારે એમ બંને દિવસ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત શોવિક રવિવારે પણ ED ઑફિસની આજુબાજુ જોવા મળ્યો હતો.
સુશાંતના પિતા કે કે સિંહ દ્વારા પટના પોલીસ સ્ટેશનમાં રિયા અને અન્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યા બાદ ED દ્વારા નાણાકીય ઉચાપતનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બિહારની સરકાર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવાની વિનંતી કર્યા બાદ કેન્દ્ર દ્વારા આ અંગે મંજૂરી આપી દેવામાં આવતા સમગ્ર મામલે CBI પણ તપાસ કરી રહી છે.