દરમિયાન બીજો એક દુષિત વાઇરસ પણ ભારતના રાજકાજમાં ઘૂસી રહ્યો છે અને તે છે કોમવાદી અને ખાસ કરીને મુસ્લિમ વિરોધી માનસિકતાનો. આ સામાજિક વાઇરસને ઓળખી લેવામાં નહિ આવે અને તેને અસરકારક રીતે ક્વૉરેન્ટાઇન કરવામાં નહિ આવે તો લાંબા ગાળે આ વાઇરસ ભારતની સુરક્ષા માટે અને 130 કરોડની જનતા માટે વધુ હાનીકારક સાબિત થશે. સુષુપ્ત પડેલી મુસ્લિમવિરોધી માનસિકતા એપ્રિલમાં પ્રગટી કેમ કેમ નવી દિલ્હીમાં નિઝામુદ્દીનમાં આવેલી તબલિગી જમાતના જમાવડાનો મામલો બહાર આવ્યો. ચેપ ફેલાવાના ભય વચ્ચે પણ લોકોને ત્યાં એકઠા કરવામાં આવ્યા અને આગળ જતા તબલિગીઓને કારણે ઘણી જગ્યાએ ચેપ ફેલાયો.
આવી રીતે લોકોને ભેગા કરવાની જરૂર નહોતી અને તેની સામે કાનૂની કાર્યવાહી થઈ પણ રહી છે. પરંતુ આ મુદ્દાને લોકોના માનસમાં બહુ અલગ રીતે ચગાવવામાં આવ્યો અને અમુક પ્રકારના મીડિયાએ તેને ભારત સામેની ‘કોરોના જેહાદ’ સુધીની વાત ચગાવી. ઘણી જગ્યાએ ફેરિયાઓ અને મુસ્લિમ શાકભાજી વેચનારા સામે વિરોધની ઘટનાઓ બની. અમુક કિસ્સામાં તો ધારાસભ્યોએ પણ મુસ્લિમવિરોધી માનસિકતા ચગાવી.
દેશમાં કોમી ભેદભાવ વધી રહ્યો છે અને તેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવત બંનેએ સ્થિતિને સંભાળવવા માટે અપીલ કરી. ગત રવિવારે (26 જાન્યુઆરીએ) મોહન ભાગવતે જણાવ્યું કે થોડા લોકોએ કરેલી ભૂલના કારણે સમગ્ર કોમને બદનામ કરવી યોગ્ય નથી, કેમ કે અત્યારે દેશ સામે ચેપને ફેલાતો અટકાવવાનો વધુ મોટો પડકાર રહેલો છે. “કોઈએ ગુસ્સાથી કે ભયથી કશુંક ખોટું કર્યું તો તે માટે આપણ સમગ્ર કોમને દોષ આપી શકીએ નહિ,” એમ ભાગવતે કહ્યું હતું.
એક અઠવાડિયા અગાઉ (19 એપ્રિલે) વડા પ્રધાન મોદીએ પણ મેસેજ આપ્યો હતો કે હાલમાં સૌથી વધુ જરૂર છે એકતા અને ભાઈચારાની. તેમણે ટ્વીટ કર્યું હતું કે: “COVID-19 કોઈ જાતિ, ધર્મ, રંગ, જ્ઞાતિ, પંથ, ભાષા કે સરહદ જોઈને આવતો નથી. તેથી આપણે એકતા અને ભાઈચારો જાળવીને તેનો સામનો કરવાનો છે.” તેમણે ખાસ ઉમેર્યું કે, "ભવિષ્ય એકતા અને ધીરજનું જ છે."
જોકે મોદી અને ભાગવત બંનેની શીખની ખાસ અસર ભાજપના કાર્યકરો પર થઈ હોય તેમ લાગતું નથી. એપ્રિલના છેલ્લા અઠવાડિયે જ ઉત્તર ભારતના બે ધારાસભ્યોએ લોકોને કહ્યું કે મુસ્લિમ ફેરિયાઓ પાસેથી ખરીદી કરશો નહિ અને તેમને શેરીમાં આવવા દેશો નહિ.
જોકે ભાજપે આ બંને નેતાઓને કારણદર્શક નોટિસો આપી છે તે વાત સાચી અને ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ પણ સ્થાનિક નેતાઓને ખખડાવ્યા હોવાનું કહેવાય છે કે આવા કોમી ઉચ્ચારણો કેમ રોકતા નથી.