ગુજરાત

gujarat

ETV Bharat / opinion

આસામમાં ભાજપ પરની પકડ આરએસએસ ગુમાવી રહ્યું છે કે શું? - ભારતીય જનતા પાર્ટી

ભાજપ પર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની પકડ હોય છે તે વાત સૌ જાણે છે. એક સદી અગાઉ સ્થપાયેલા આરએસએસની અસર હવે ભારતીય સમાજ અને રાજકારણમાં દેખાવા લાગી છે. ભાજપની સફળતા પાછળ સંઘની ભૂમિકા મહત્ત્વની રહી છે તે બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. છેલ્લા ત્રણ દાયકામાં ભાજપનો સાર્વત્રિક રીતે વિકાસ થયો છે.

assam election 2021
assam election 2021

By

Published : Mar 13, 2021, 3:38 PM IST

Updated : Mar 13, 2021, 5:05 PM IST

આસામમાં પણ 2016માં કમળ ખીલ્યું ત્યારે તેની પાછળ પણ સંઘના સ્વંયસેવકો અને હજારો અનુયાયીઓની સફળતા હતી. આ સ્વંયસેવકો ઘણા વર્ષોથી પાયાની સ્થિતિએ પરિવર્તન આવે તે માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વળીને કામગીરી કરતાં રહ્યા હતા.

જોકે છેલ્લા થોડા વર્ષોમાં સ્થિતિ બદલાઈ હોય તેવું લાગે છે, કેમ કે ભાજપ હવે સત્તામાં છે અને તેમાં ફેરફાર દેખાયો છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિને સંઘ મૌન બનીને સાક્ષી તરીકે જોઈ રહ્યો છે. ભાજપના રાજકારણને રંગ આપવા માટે જાણીતો સંઘ આસામની રાજકીય ગતિવિધિઓમાં એક કોરાણે ધકેલાઈ ગયો હોય તેવું લાગે છે.

હાલમાં જ ભાજપ અને સાથી પક્ષ આસોમ ગણ પરિષદ વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ ત્યારે તેમાં આ બાબત જોવા મળી રહી છે. જે રીતે ભાજપ તરફથી ટિકિટો આપવામાં આવી છે તેમાં દેખાઈ આવ્યું છે કે આસામમાં ભાજપ અને આરએસએસ વચ્ચે અંતર વધવા લાગ્યું છે. એ વાત પણ નોંધનીય છે કે આ વખતની ચૂંટણીમાં સંઘના સ્વંયસેવકો કોઈ જગ્યાએ ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતાં હોય તેવું દેખાઈ રહ્યું નથી.

આસામમાં પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 40 ઉમેદવારોની યાદી જાહેર કરી તેના પર નજર નાખીએ તો ભાજપ અને આરએસએસ વચ્ચે ઊભી થયેલી ખાઈ દેખાઈ આવે છે. ભાજપ તરફથી દિલ્હીથી ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી અને તેમાં એક પણ નામ એવું નહોતું, જેના માટે આરએસએસ તરફથી ભલામણ થઈ હોય.

રાજકીય વિશ્લેષકો કહે છે કે 2016માં શાસક પક્ષ કોંગ્રેસમાં ઊભા થયેલા આંતરકલહનો લાભ લેવા માટેની વ્યૂહરચના સ્પષ્ટપણે આરએસએસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેના કારણે આસામમાં કમળ ખીલ્યું હતું. તે વખતના કોંગ્રેસના મજબૂત નેતા અને પ્રધાન હિમંતા બિશ્વા શર્માને ભાજપમાં લઈ આવવામાં પણ સંઘે અગત્યની ભૂમિકા ભજવી હતી.

આમ છતાં 2021ની ચૂંટણી માટે સંઘ તરફથી જે ઉમેદવારોના નામો સૂચવવામાં આવ્યા હતા, તેમના નામો યાદીમાં જોવા મળ્યા નથી. સંઘનું સમર્થન ધરાવતા કેટલાક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ કાપી નાખવામાં આવી છે. નલબારી બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અશોક શર્માને આ વખતે ટિકિટ મળી નથી, જ્યારે પ્રસન્તા સાઇકિયાની પણ દિગ્બોઇ બેઠક માટે અવગણના થઈ છે. સાઇકિયા આરએસએસની ભગીની સંસ્થા સ્પોર્ટ્સ ભારતની ઉપપ્રમુખ છે. અશોક શર્મા સામે વિતેલા પાંચ વર્ષમાં ભાગ્યે જ કોઈ ફરિયાદો હતી, છતાં તેમને કાપી નખાયા, જ્યારે સાઇકિયાના નામની ચર્ચા પણ કરવામાં આવી નહોતી.

એ જ રીતે બોકો બેઠક પરથી સિમંતા દાસે ભાજપની ટિકિટ માગી હતી, પણ તેમનો વિચાર થયો નથી. દાસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ મહામંત્રી છે. સંઘની આ વિદ્યાર્થી પાંખમાં દાસ અગત્યના નેતા તરીકે કામ કરતા રહ્યા હતા.

એ જ રીતે જગદીશ ગુપ્તાનું નામ પણ 2021ની ચૂંટણી માટે પસંદ થયું નથી. આસામ અને અરૂણાચલ પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં જગદીશ ગુપ્તા વર્ષોથી પ્રચારક તરીકે કામ કરી રહ્યા છે. તેઓ નાઓબોઇચા બેઠક પરથી ચૂંટણી લડવા માગતા હતા. આ બેઠક સમજૂતિના ભાગરૂપે એજીપીને આપી દેવાઈ છે.

એવી જ રીતે સંઘને વરેલા પ્રચારક સૌમિત્રા પૂજારીના ભાઈ શાંતનુ પૂજારી અને પ્રચારક હિમંતા ધિંગ મઝુમદારના ભાઈ રણજિત મઝુમદારના નામો પણ ભાજપની યાદીમાં દેખાયા નથી. સંઘના જૂના સ્વંયસેવક અને લોકસભાના ભૂતપૂર્વ સાંસદ રામેન દેકાનું નામ પણ સ્વીકારાયું નથી. તેમને 2019માં લોકસભામાં પણ ટિકિટ મળી નહોતી. તેથી આ વખતે તેઓ વિધાનસભા લડવા માગતા હતા, પણ જનસંઘ વખતે પક્ષના સભ્ય રહેલા દેકાને તક આપવામાં આવી નથી.

-નયનજ્યોતિ ભૂયન, ગૌહાટી બ્યૂરો ચીફ, ઈટીવી ભારત, આસામ

Last Updated : Mar 13, 2021, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details