નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયે એક મહિનો થઈ ગયો છે. હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને યુદ્ધની શરુઆત ઓક્ટોબરમાં કરી હતી. આ હુમલામાં 1400 ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામ્યા હતા. હમાસે 240 નાગરિકોને બંધક પણ બનાવ્યા હતા. ત્યારબાદ ઈઝરાયેલ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. બંને તરફથી થઈ રહેલા હુમલામાં અત્યાર સુધી 9500થી વધુ પેલેસ્ટાઈન નાગરિકોના મૃત્યુ થયા છે.
ઈઝરાયલના 3 લાખથી વધુ સૈનિકોએ ગાઝાને ઘેરી લીધું છે. ગાઝા પર બોમ્બમારો ચાલુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર હમાસે ગાઝામાં અનેક સુરંગો બનાવી રાખી છે. ઈઝરાયલના કેટલાક બંધક હજુ પણ સુરંગમાં છે. તેથી ઈઝરાયલ આ સુરંગો પર સીધો બોમ્બમારો નથી કરી રહ્યું. ઈઝરાયલનો આરોપ છે કે હમાસ બંધકોને હ્યુમન શિલ્ડ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
ઈઝરાયલી સેના ગાઝા શહેરમાં બહુ ધીરે ધીરે આગળ વધી રહી છે. તેમ છતાં અહીં 4000 હજારથી વધુ બાળકો માર્યા ગયા છે. ઈઝરાયલનો દાવો છે કે તેણે ગાઝાને બે ભાગમાં વિભાજિત કરી દીધું છે. ગાઝામાં સૂચના પ્રણાલિ ઠપ થઈ ગઈ છે. દરેક સર્વર ઈઝરાયલે બેકાર કરી દીધા છે. સેના ઉત્તરી ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરી શકે છે. ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ સીઝ ફાયરની અપીલ માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે હમાસને સાફ કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેમણે સીઝ ફાયરની અપીલને માનવી એટલે હાર સ્વીકારી લેવી તેવું જણાવ્યું હતું.
ઈઝરાયલી સેનાનો દાવો છે કે હમાસના લડાકુઓએ હોસ્પિટલમાં પોતાનો બેઝ બનાવ્યો છે. તેથી ઈઝરાયલે અલ શિફા હોસ્પિટલ પર હુમલો કરવો પડ્યો. હમાસનો આરોપ છે કે ઈઝરાયલી સેના સામાન્ય નાગરિકો પર હુમલો કરે છે. જો કે ઈઝરાયલે આ આરોપનું ખંડન કર્યુ છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ગાઝાના 15 લાખ નાગરિકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. જેમાંથી અડધા લોકો યુએનના કેમ્પમાં શરણાર્થી તરીકે રહે છે. આ યુદ્ધમાં 88 યુએન કર્મચારીઓના મૃત્યુ થઈ ગયા છે. કેમ્પમાં પૂરતા પાણી અને ખોરાકનો અભાવ છે.
યુદ્ધ ક્યાં સુધી ચાલશે ? તેનો કોઈને કંઈ અંદાજ નથી. મધ્ય પૂર્વના દેશો બંને પક્ષોને શાંતિની અપીલ કરી રહ્યા છે. સાઉદી અરબ, ઈજિપ્ત અને યુએઈના દેશો અમેરિકાને યુદ્ધ રોકવા માટે ઈઝરાયલને મનાવવા કહી રહ્યા છે. અમેરિકન સુરક્ષા પ્રધાન યુદ્ધ ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, તેઓ અલગ અલગ દેશોના પ્રતિનિધિને મળી રહ્યા છે પણ કંઈ નક્કર ઉકેલ આવતો જણાતો નથી.
ગાઝા પર કાર્યવાહી કરતા અગાઉ ઈઝરાયલે પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકોને દક્ષિણ ગાઝામાં સ્થળાંતરીત થવા કહ્યું હતું. અનેક લોકો ગાઝા છોડીને જવા માંગતા હતા, પરંતુ ઈઝરાયલ અનુસાર હમાસે નાગરિકોને બહાર જવા દીધા નહીં. જો કે મોટી સંખ્યામાં નાગરિકો દક્ષિણ ગાઝામાં શરણ લઈ રહ્યા છે. આ વિસ્તાર ઈજિપ્તની સરહદે છે. જ્યાં મહત્વનું સ્થળ રફાહ બોર્ડર છે. આ બોર્ડર પરથી જ યુએન દવા, ખોરાક, પાણી અને બીજી જરુરી સાધન સામગ્રી ગાઝા સુધી પહોંચાડી રહ્યું છે. જો કે આ બોર્ડર પરથી પેલેસ્ટાઈનના નાગરિકોને ઈજિપ્ત જવા દેવાની પરવાનગી અપાઈ નથી.
ગાઝા 25 લાખની એટલે કે સૌથી વધુ આબાદી ધરાવતો પ્રદેશ છે. વેસ્ટ બેંકના વિસ્તાર પર ઈઝરાયલનો કબ્જો છે. જો કે, ઈઝરાયલી નાગરિકોની સુરક્ષા ખતરામાં છે કારણ કે પેલેસ્ટાઈની નાગરિકોની ભાવનાઓ ભડકી ઉઠી છે.
શું છે સમગ્ર વિવાદઃ યેરુશલેમને ઈઝરાયલ પોતાની રાજધાની માને છે. પેલેસ્ટાઈન પણ યેરુસલેમને પોતાની રાજધાની માને છે. યેરુશલેમ ખ્રીસ્તી, મુસ્લિમ અને યહુદી એમ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર મનાય છે. પેલેસ્ટાઈનીઓ ગાઝા અને વેસ્ટ બેંક વિસ્તારમાં વસેલા છે. ગાઝા વિસ્તારમાં હમાસનું નિયંત્રણ છે. વેસ્ટ બેંક વિસ્તારમાં પેલેસ્ટાઈનનું શાસન છે. હમાસને અમેરિકન સહિત અનેક દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કરી રાખ્યું છે.
- Palestinian Gaza Conflict: હમાસે ગાઝાથી ઈઝરાયેલના સૌથી દૂરના વિસ્તાર પર કર્યા રોકેટ હુમલા
- Israel Hamas War Live: ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર યુએનમાં ભારતની કાર્યવાહી ખેદજનક