ઈસ્લામાબાદ: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે ધાર્મિક રેલીમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં કેટલાક પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયાં અને 23 લોકો ઘાયલ થયા છે. એક સ્થાનિક સમાચારપત્રના એહેવાલ મુજબ, શાહરાહ-એ-અદાલત નજીક ક્વેટા પ્રેસ ક્લબમાં ધાર્મિક રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેથી ત્યાં પાર્ક થયેલા અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં વિસ્ફોટ, 8ના મોત, 20 ઘાયલ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ધાર્મિક રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં પોલીસ કર્મચારી સહિત 8 લોકોનાં મોત અને 23 લોકો ઘાયલ થયા છે. આ હુમલાને લઇને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.
હુમલાને લઇને સુરક્ષા કર્મચારીઓએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટના સ્વરૂપ અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી. ક્વેટા સિવિલ હૉસ્પિટલના પ્રવક્તા વસીમ બેગના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત થયાં છે અને 23 લોકો ઘાયલ થયા છે.
બલુચિસ્તાનના ગૃહ પ્રધાન જિયા ઉલ્લાહ લાંગૂએ કહ્યું કે, ઘાયલોની સંખ્યામાં વધારો થઇ શકે છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સંકેત આપવામાં આવ્યો કે, આત્મઘાતી હુમલાખોરે હુમલો કર્યો હતો. આ હુમલો થવાથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત બલૂચિસ્તાનના ગવર્નર અમાનુલ્લા ખાન યાસીનજઇએ વિસ્ફોટની નિંદા કરતા કહ્યું કે, આવા વિનાશક હુમલા રાષ્ટ્ર અને સુરક્ષા દળોના મનોબળને નબળું બનાવી શકે નહીં.