વૉશિંગ્ટન: મુંબઈ 2008 આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાની કોર્ટ દ્વારા સજા આપવાના નિર્ણયનું અમેરિકાએ સ્વાગત કરી કહ્યું કે, આ લશ્કર-એ-તૈયબાની જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે બુધવારે હાફિઝ સઈદને આતંકવાદ માટે નાણાં પૂરા પાડવાના 2 કેસમાં સાડા પાંચ-સાડા પાંચ વર્ષ અને બન્ને કેસમાં 15-15 હજારનો દંડ ફટકાર્યો હતો.
હાફિઝને સજા આપવાનું પગલું મહત્વપૂર્ણ: અમેરિકા
આતંકવાદી હાફિઝ સઇદને પાકિસ્તાની અદાલતે આતંકવાદ માટે નાણાં પૂરા પાડવાના 2 કેસમાં સજા સંભળાવી છે. આ નિર્ણયનું સ્વાગત કરી અમેરિકાએ કહ્યું કે, આ લશ્કર-એ-તૈયબાની જબાદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
દક્ષિણ અને મધ્ય એશિયાના કાર્યકારી સહાયક વિદેશ પ્રધાન, એલિસ.જી.વેલ્સે કહ્યું કે, 'હાફિઝ અને તેના સાથીદારોને આરોપી ગણવાએ લશ્કર-એ-તૈયબાના ગુનાઓની જવાબદારી અને પાકિસ્તાનના આતંકવાદી ધિરાણ સાથે વ્યવહાર કરવા માટેની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.' વેલ્સે કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, દેશના ભવિષ્યના હિતમાં છે કે, દેશના વિરોધી તત્વોને તેમની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવામાં આવે.
મહત્વનું છે કે, 11 ડિસેમ્બરે, આતંકવાદ વિરોધી કોર્ટે આતંકવાદને નાણા પૂરા પાડવાના કેસોની સુનાવણી કરીને સઈદ અને તેના એક સાથીને દોષી ઠેરવ્યા હતા. પાકિસ્તાનના પંજાબ પોલીસે આતંકવાદ વિરોધી વિભાગના આવેદન પર સઈદ વિરૂદ્ધ લાહોર શહેરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સઈદની પાર્ટી જમાત ઉદ-દાવા અંગે માનવામાં આવે છે કે, તે લશ્કર એ-તૈયબાનું સાથી સંગઠન છે, જે 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર છે. આ હુમલામાં 6 અમેરિકી સહિત 166 લોકોનાં મોત થયાં હતાં.