અમેરિકાઃ અમેરિકાના નાગરિકો અને રામભક્તો દ્વારા ભગવાન શ્રીરામના ચિત્ર સ્વરૂપનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. અમેરિકાના કેલિફોર્નિયાના આર્ટેસિયા સિટીના ઈંડિયા પ્લાઝા કોમ્પ્લેક્ષના ખુલ્લા ચોગાનમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરિમલ શાહ, સંસ્થાના સેક્રેટરી અને લેબોન હોસ્પિટલીટી ગ્રુપના યોગી પટેલ, જય ભારત ફૂડસના ભરત પટેલ અને હિન્દૂ સેવક સંઘના પી.કે.નાયક સહિત અગ્રણી ભારતીય અને અમેરિકન નાગરિકો આ કાર્યક્રમને વધાવ્યો હતો.
કેલિફોર્નિયામાં પણ રામમંદિર શિલાન્યાસની ઉજવણી, રામભક્તોએ કરી પૂજા-આરતી
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં યોજાયેલ રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમને લઈ સમગ્ર દેશ અને દુનિયામાં ભારતીયો અને રામ ભક્તોએ ઉત્સવ મનાવ્યો હતો, ત્યારે અમેરિકામાં રહેતા ભારતીય અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના શિલાન્યાસને લઇ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના આગેવાનોએ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતા. સંસ્થાના સેક્રેટરી અને લેબોન હોસ્પિટલીટી ગ્રુપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, 492 વર્ષથી ચાલ્યા આવતા રામભક્તોના સંઘર્ષ અને બલિદાનનો આ વિજય દિવસ છે. ભગવાન રામ હવે ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં બિરાજશે જેનો રોમહર્ષ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
આ પ્રસંગે હિન્દૂ સેવક સંઘના પી.કે.નાયકે હિન્દૂ સંગઠનોની આક્રમક રણનીતિ અને ભાજપના રાજકીય સાહસવૃત્તિ ને બિરદાવ્યા હતા. અનેક હુતાત્મા કાર્યકરો અને રામભક્તોના બલિદાનોને યાદ કરી તેઓને વંદન નમન કર્યા હતા. સંસ્થાના પ્રમુખ પરિમલ શાહે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભારત સરકારની કામગીરી બિરદાવી હતી અને કેન્દ્રની ભાજપ સરકાર પ્રત્યે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.