ન્યૂઝડેસ્ક : કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે સંશોધનકારો વચ્ચે એક મત એવો ઉભો થઇ રહ્યો છે કે, જાહેર આરોગ્યનું સંરક્ષણ કરવાની સાથે સાથે આપણે આર્થિક વિકાસ અને રાજકીય સ્વતંત્રતા વચ્ચે પણ સંતુલન જાળવવું પડશે.
કોરાના વાયરસ સંકટે સરકાર અને અર્થતંત્રની કાર્યશૈલિની પુનઃસમીક્ષા કરવાની ફરજ પાડી છે. જ્યોર્જટાઉન યુનિવર્સિટીના મેથ્યૂ એમ. કાવાનાગ લાન્સેટમાં દલીલી કરે છે કે, કોવિડ-19ની વૈશ્વિક મહામારીએ ત્રિવિધા ઉભી કરી છે. તબીબી રીતે તંદુરસ્ત હોય તેવો સમાજ, તંદુરસ્ત અર્થતંત્ર અને તંદુરસ્ત લોકશાહી આ ત્રણેય બાબત એક સાથે હોવી અશક્ય છે.
મેથ્યૂ એમ. કાવાનાગે ઉમેર્યું હતું કે, “કોવિડ-19ની વૈશ્વિક મહામારીનો એક સૂચિતાર્થ તે છે કે, જો આપણે વિમાનોને ઉડતા રાખવા હોય, રેસ્ટોરાં અને પબને ધમધમતા રાખવા હોય તો આપણે વધુ લોકોને બીમાર પડતા અને મોતના મુખમાં ધકેલાતા જોવા તૈયાર રહેવું પડશે. બીજી તરફ, જો આપણે આ પ્રવૃત્તિઓ બંધ કરાવી દઇએ તો હવે જે આર્થિક મંદી આવશે તે 2008ની વૈશ્વિક આર્થિક કટોકટી કરતાં પણ વધુ ગંભીર હશે. હાલની વૈશ્વિક મહામારીને કારણે ગ્રેટ ડિપ્રેશન એટલે કે મહામંદીમાં જેટલા લોકો બેરોજગાર ન્હોતા થયા તેના કરતાં પણ કદાચ વધુ લોકો બેરોજગાર થશે.”
તેમણે વધુ વિગતવાર જણાવ્યું હતું કે, આ મહામારીને કારણે આર્થિક વૃદ્ધિને લાંબા ગાળે આંચકો જરૂર લાગશે પરંતુ આ સંકટે કેટલાક ક્ષેત્રોમાં વેપારની કેટલીક નવી ક્ષિતિજો ખોલી છે. ટેલિમેડિસિન ક્ષેત્રનો દાખલો લો. ટેલિમેડિસિન્સ ક્ષેત્રના વિકાસને કારણે ડોક્ટરોની વર્ચ્યુઅલ વિઝિટ શક્ય બની છે, દર્દીઓ જાતે કેટલાક બ્લડ ટેસ્ટ કરતા થયા છે અને ડૉક્ટરો દૂર બેઠેલા દર્દીની સ્થિતિ પર પણ નજર રાખી શકે છે. આ ઇનોવેશનને કારણે મેડિકલ પ્રોફેશન એટલી હદે વિકસ્યો છે કે જો તમે એમ કહો કે, હું ડોક્ટર પાસે જઇને મારી શારીરિક તપાસ કરાવું તો કદાચ તમે જૂનવાણી કહેવાશો. અત્યારે મેડિસિન અને અન્ય ઘણા ક્ષેત્રો વિકાસ માટે એકવીસમી સદીની ઇન્ફર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજીએ સર્જેલી તકો ચકાસી રહ્યા છે.
વધુમાં, વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ સમજાવી રહ્યા છે કે, કોવિડ-19ના કિસ્સામાં આપણે જાહેર આરોગ્ય સુરક્ષિત કરવું આવશ્યક છે પરંતુ તેની સાથે સાથે સામાજિક અને રાજકીય તાણાવાણા પણ જીવંત રાખવા જરૂરી છે. હાલની સ્થિતિ પરથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે વિશ્વના સમગ્ર દેશોએ ના માત્ર હાલની વૈશ્વિક મહામારી પરંતુ ભવિષ્યના રોગચાળા માટે પણ બધાએ એક થઇને એક વધુ સંગઠિત અને સંકલિત પ્રયાસ હાથ ધરવો પડશે. આ માટે સૌ દેશોએ પોતાની ગુપ્તતામાં થોડી બાંધછોડ કરીને મેડિકલ ઇન્ફર્મેશનનું આદાન-પ્રદાન કરવું પડશે. કોવિડ-19ના અનુભવ પરથી તે પણ સ્પષ્ટ થઇ ગયું છે કે, સંકટ પર પ્રતિભાવમાં વ્યાપક ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગનો પણ સમાવેશ કરવો પડશે, જેમાં તમારી અંગતતા અંગે તમારે કદાચ સંપૂર્ણ તો નહીં પરંતુ કેટલાક અંશે બાંધછોડ કરવી પડશે.
દરમિયાનમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસના કુલ કેસની સંખ્યાએ 13 લાખની સપાટી વટાવી દીધી છે અને અત્યાર સુધીમાં 70 હજારથી લોકો કોરોનાના ખપ્પરમાં હોમાઇ ગયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓના મોત થયા છે અને 354 નવા કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,421 થઇ ગઇ છે.