મનુષ્ય માટે એક તરફ કુદરત છે, તો બીજી તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જાદુ છે, પરંતુ કુદરતના કરિશ્માઈ જાદુની સામે આજે 21મી સદીના વૈજ્ઞાનિક યુગમાં કુદરતની અવનવી કળાઓ સામે માનવ શક્તિ વિવશ બનીને રહી ગઈ છે. આ વાતને સાર્થક કરતા ખેરાલુ તાલુકાના રામપુરા ગામની બાળાઓ દ્વારા વરુણદેવને રીઝવવા ઢુંઢિયા બાપજી બનાવી નગર ચર્યા કરાવવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદને આમંત્રણ આપવા લોકો કંઈક આ રીતે પરંપરા ભજવે છે ! - RONAK PANCHAL
મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ન થતા ખેડૂતની સાથે સાથે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વરસાદ ખેંચાતા લોકોએ પોતાની શ્રદ્ધા અનુસાર પોત-પોતાની રીતે વરસાદની માગણી કરતા હોય છે. આવી જ રીતે વરુણદેવને રીઝવવા માટે મહેસાણાના ખેરાલુ તાલુકાના રામપુરા ગામની બાળાઓ દ્વારા ઢુંઢીયા બાપજીની નગરયાત્રા કાઢી બાપજી પર જળાભિષેક કરવામાં આવે છે. લોકોને એવી આશા હોય છે કે, આવુ કરવાથી વરસાદની પધરામણી થાય છે.
આ નગરચર્યામાં ગામની સૌ કોઈ મહિલાઓ અને બાળાઓ ભેગા મળી ગામમાં ઘરે ઘરે ફરી ઢૂંઢીયા બાપજી પર જળાભિષેક કરે છે. આ સાથે મેઘરાજાની પધરામણી માટે ઇન્દ્રદેવના ગુણગાન ગાઈ ભગવાનને રિઝવવા પ્રયાસ કરવામાં આવે છે. કહેવાય છે કે, પ્રાચીન કાળથી જ્યારે જ્યારે વરસાદ આવતા વિલંબ થતો, ત્યારે ત્યારે આ પ્રકારે ઢૂંઢીયા બાપજીને નગરયાત્રા કરાવી જળાભિષેક કરતા મેઘરાજાની પધરામણી થતી હોય છે. ત્યારે આજે પશુપાલકો અને ખેડૂતોના માથે જળ સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે જો વરસાદ થાય તો ખેડૂતોએ કરેલી વાવણી અને પાકમાં પ્રાણ પુરાય. વરસાદ થતાં ખેડૂત અને પશુપાલકને થતા નુકસાનને રોકી શકાય અને આગામી દિવસોમાં જોવા મળતી દુષ્કાળની સ્થિતિને દૂર કરી શકાય તે માટે આ ઢુંઢીયા બાપજીની નગરયાત્રા કરવામાં આવે છે.