દેશના ભવિષ્ય માટે દરેકનો મત મહત્વનો ફાળો ભજવે અને આ વાતને આ વૃદ્ઘે સિદ્ધ કરી બતાવી છે. હૃદયની ગંભીર બિમારીથી પિડાતા હોવા છતાં તેમણે મતદાન કર્યું છે એટલું જ નહિ ગઈકાલે જ સોમવારે તેમને પરમેનન્ટ પેસમેકર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું તેમ છતાં મંગળવારે યોજાયેલી ચુંટણીમાં મતદાન મથક પર હાજરી આપી તેમણે પોતાની અડગ ઈચ્છા શકિતની સાબિતી આપી હતી.
અમદાવાદ સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર એરિથમીયા અને એચ.એફ. ડિવાઈસ ક્લિનિક ડો. અજય નાયકે જણાવ્યું હતું કે "દર્દી ને કમ્પલીટ હાર્ટબ્લોકને કારણે રવિવારે દાખલ કરાયા હતા અને સોમવાર તા. 22 એપ્રીલના રોજ તેમનું પરમેનન્ટ પેસમેકર ઈમપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ એક જીવલેણ રોગ છે અને તેમાં હૃદયરોગના હૂમલાને કારણે ઓચિંતુ મોત થઈ શકે છે. સામાન્ય રીતે આ શસ્ત્રક્રિયા પછી દર્દીને સંપૂર્ણ સાજા થવા માટે બે સપ્તાહના આરામની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ વૃધ્ધ વ્યક્તિએ ભારતના નાગરીક તરીકે ફરજ બજાવવા માટે મતદાન કરવાની ઉંડી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમનો ઉત્સાહ અને દ્રઢ ઈચ્છા જોઈને તથા તેમની તબીયત ઝડપથી સુધારો જોવા મળતા અમે તેમની ઈચ્છા પૂર્ણ કરવાનુ પસંદ નક્કી કર્યું. હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે વૃદ્ધને તેમના વતન નડિયાદ પાસે આવેલા ઉતરસાંડા લઈ જવામાં આવ્યા હતા.