ગુજરાતમાં 5 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પહેલા ક્રોંસ વોટિંગ સહિતની માથાકૂટ દૂર કરવાના હેતુથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સ્થળાંતર કરાવી નજરકેદ કરવામાં આવ્યાં છે.
તમામ ધારાસભ્યોને બનાસકાંઠાના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે. જ્યાં કાલ સાંજ સુધી તેઓ રોકાય તેવી શક્યતાઓ છે. બીજીતરફ અહીં આ રિસોર્ટમાં કોંગ્રેસ દ્વારા 34 રૂમો બુક કરાવવામાં આવી છે. તેમજ 100 લોકોના જમણવારનો ઓર્ડર પણ આપી દીધો છે.
ક્રોસ વોટિંગની આશંકા અને ભાજપ દ્વારા ખરીદ-વેચાણ થાય તેવી શક્યતાઓને પગલે કોંગ્રેસે આ પગલું ભર્યું છે. આ રિસોર્ટમાંથી ધારાસભ્યોને સીધા મતદાન માટે લઈ જવાય તેવી પણ શક્યતાઓ છે. ત્યારે થોડા જ કલાકો પહેલા ધારાસભ્યોને આબુ લઈ જવાય તેવી વાતો સામે આવી હતી. જ્યાં રાજસ્થાનના મુખ્યપ્રધાનને તેમને સાચવવાની જવાબદારી સોંપાઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે, હજી પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિત કયા કયા ધારાસભ્યો ગેરહાજર રહેશે તે અંગે કોઈ ખુલાસો થયો નથી.
બીજીતરફ ચૂંટણીના 48 કલાક પહેલા ભાજપના ચાણક્ય અમિત શાહની ગુજરાતમાં ઉપસ્થિતિથી પણ કોંગ્રેસમાં ફફડાટ છે. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણીને લઈ ભારે ગરમાવો રાજ્યના રાજકારણમાં છવાઈ ગયો છે.