વડોદરાઃ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. એવામાં કોરોના વાઇરસ પોઝિટિવ દર્દી પૈકી હર્ષ સુનિલભાઇ કહાર નામનો એક યુવાન દર્દી હોસ્પિટલની કેન્ટીનમાં બેસીને જમતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી, કોરોનાનો દર્દી કેન્ટિનમાં જમતો હોવાનો વીડિયો વાયરલ - કોરોના વાઈરસ અસર
વડોદરામાં બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓમાંનો એક દર્દી હર્ષ સુનિલભાઇ (ઉ.વ 19) વોર્ડમાથી બહાર નીકળી કેન્ટિનમાં જમતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
સરકારની ગાઇડ લાઇન મુજબ કોરોના વાઈરસના દર્દીઓ માટે સયાજી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યાં છે. દર્દીઓને વોર્ડમાં જ તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને દર્દી કોઇના સંપર્કમાં ન આવે અને અન્ય લોકો સંક્રમિત ન થાય, પરંતુ સયાજી હોસ્પિટલના વોર્ડના કર્મચારીઓના અંધેર તંત્રના કારણે હર્ષ સુનિલભાઇ કહાર નામનો નામનો એક દર્દી વોર્ડની બહાર નીકળીને હોસ્પિટલ સ્થિત કેન્ટીનમાં પહોંચી ગયો હતો અને ખુલ્લામાં જમી રહ્યો હતો.
સયાજી હોસ્પિટલના કેન્ટીનમાં બેસીને જમી રહેલા કોરોના વાઈરસના દર્દીનો વીડિયો વાયરલ થતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કોરોના વાઈરસનો દર્દી વોર્ડમાંથી બહાર નીકળ્યા બાદ તંત્ર દ્વારા વોર્ડમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.