- મહારાષ્ટ્રથી ટ્રેલરમાં અમદાવાદ લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
- જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેલર ઝડપી પાડ્યું
- કરજણ ટોલ નાકાથી ઝડપી પાડ્યું ટ્રેલર
વડોદરા : મહારાષ્ટ્રથી ટ્રેલરમાં અમદાવાદ લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસે 14 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક મળીને કુલ રૂપિયા 24.27 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્મચારીનો દારૂની બોટલ સાથેનો ફોટો વાઇરલ થતા ચકચાર
14 લાખનો વિદેશી દારૂ, ટ્રક મળી 24.27 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરેલું એક 10 ટાયરનું ટ્રેલર મહારાષ્ટ્રથી સુરત અને ભરૂચ વડોદરા થઇ અમદાવાદ તરફ જવાનું છે. જેને આધારે LCB સ્ટાફ દ્વારા કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ભરૂચ તરફથી ટ્રેલર આવતા જ પોલીસે તેને રોકીને તેમાં તપાસ કરતા કાચના ટુકડા ભરેલા ટ્રેલરમાંથી રૂપિયા 14 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટ્રેલરને કબજે કરવા સાથે રાજસ્થાનના રહેવાસી અને ટ્રેલર ચાલક રામનિવાસ કેસરારામ બુડિયાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : દારૂ લોકો માટે ટોનિક છે, કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેનો બફાટ
લોકલ ક્રાઇમ બ્રાંચે જગદીશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં
પોલીસે વિદેશી દારૂની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જંગી જથ્થો મહારાષ્ટ્રથી રાજસ્થાનના જોધપુરના વતની વિનોદ બિશ્નોઇ અને રાજસ્થાનના સાગડવા ગામના વતની અશોક પુનારામ બિશ્નોઇએ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે જગદીશ નામના વ્યક્તિને પહોંચતો કરવાનો હતો. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ બનાવની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાવી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ મોકલનારા અને અમદાવાદમાં ડિલિવરી લેનારા જગદીશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.