વડોદરાઃ શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં મંગળવારે બપોરે 2 હુમલાખોરોએ શેખ પરિવાર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં મકાન માલિક નઈમ શેખની પત્ની અમીના શેખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા યાકુતપુરામાં ફાયરિંગની ઘટના, બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં રહેતો મહોમ્મદ નઇમ, અબ્દુલ રહેમાન શેખ પરિવાર સાથે રહે છે. તેમના મિલકત માટે કૌટુંબિક ઝઘડા ચાલતા હતા. મંગળવારે બપોરે 2 અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ફાયરિંગમાં નઇમની બેગમ અમીના શેખને ઇજા થતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નઈમ શેખે જણાવ્યું કે, મારા ભાઈ મોઈને તેના માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશ્નર આર.બી. બહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, નઇમ શેખે તેના ઘર પર જાહેર ચેતવણી લખીને નોટિસ ચોટાડેલી છે. જેમાં લખ્યું છે કે, આ મકાનના માલિક તથા કબ્જેદાર ભોગવટો કરનાર મોહમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ છે. તે આ મિલ્કત મકાનમાં કોઇપણ બીજી વ્યક્તિએ ગેરકાયદેસર પ્રવેશ કરવો કે કરાવવો નહીં, તેમ થશે તો કાયદેસરના ફોજદારી પગલા લેવામાં આવશે તેની નોંધ લેવી. આ બનાવને પગલે યાકુતપુરા વિસ્તારમાં લોકોના ટોળેટોળે ઉમટી પડ્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ હુમલોખોરોને પકડવા માટે કામે લાગી ગઇ છે અને ઘરના CCTVની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે.