- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- વડોદરા કોંગ્રેસે પ્રજાને આકર્ષવા વાયદાઓ શરૂ કર્યા
- કોગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો
વડોદરાઃ 21 ફેબ્રુઆરીએ યોજાવાની મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પોતાના મેનિફેસ્ટો જાહેર કરી રહ્યાં છે. જે અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે બુધવારે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જેના માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતનાં પ્રભારી તામ્રધ્વજ સાહુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ રણજિત ચવ્હાણ, ઋત્વિક જોષી સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા કોંગ્રેસનો મેનિફેસ્ટો ગુજરાતના પ્રભારી તામ્રધ્વજ સાહુ રહ્યા હાજર
કોંગ્રેસે આજે બુધવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ પ્રસંગે છત્તીસગઢના ગૃહ પ્રધાન અને ગુજરાતના પ્રભારી તામ્રધ્વજ સાહુ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસના વાયદા
કોંગ્રેસે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં શહેરીજનોને સરકારી સુવિધા માટે ગુજરાઈટ કાર્ડ આપવા, વરસાદી પાણીના નિકાલ સંબંધે નિષ્ણાતોની મદદ મેળવી સર્વિસ કોરિડોર બનાવવા, સત્તામાં આવ્યા બાદ એક સપ્તાહમાં તૂટેલા રસ્તાઓનું પુનઃ નિર્માણ, મિલકતવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો, કોરોનાકાળમાં આર્થિક નુકસાન ભોગવનારા ધંધાદારીઓને એક વર્ષ માટે ટેક્સમાંથી રાહત, સત્તામાં આવ્યા બાદ 24 કલાકમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી , કોન્ટ્રાકટ- આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદશે, વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ, ગ્રીન બેલ્ટનો વિસ્તાર, મહિલાઓ સહિત વિધાર્થીઓ, સિનિયર સિટીઝન્સને સિટી બસમાં 50 ટકા કન્સેશન અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ સામેલ છે.