- મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ
- વડોદરામાં કુલ 4 દર્દીઓ મ્યુકોર માઈકોસીસ રોગના નોંધાયા
- 2 કેસ ખુબજ એડવાન્સ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વડોદરાઃ કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સામે વધુ એક પડકાર સામે આવ્યો છે. આ અંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોના ગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓ અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી બીમારી ધરાવતા દર્દીઓને આ મ્યુકોર માઇકોસીસ રોગ થતો જોવા મળે છે. મ્યુકોર માઇકોસીસની સારવાર શક્ય છે. આ રોગ ચેપી નથી અને નવો રોગ પણ નથી તેનાથી ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
40 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં ઇન્ફેક્શન થતું જોવા મળે છે
આ રોગનાં લક્ષણો અંગે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના થયો હોય અને સાજા થયા બાદ સ્વાસ્થ્ય સુધારાના તબક્કામાં હોય અને ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ તેમજ ડાયાબિટીસ સંતુલનમાં ન હોય એવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ ઇન્ફેક્શન થતું જોવા મળે છે. વારંવાર શરદી થવી, નાક બંધ થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાકમાંથી ખરાબ પ્રકારની દુર્ગંધ આવતી તેમજ ચહેરાના ગાલ કાળા થવા લાગે છે. આવા લક્ષણો જણાઈ આવે તો નિષ્ણાત તબીબોની સલાહ લેવી જોઈએ.