ગુજરાત

gujarat

By

Published : Sep 26, 2021, 9:26 PM IST

ETV Bharat / city

વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય: જાગૃત યુવાનોએ બેનરો લગાવી કર્યો વિરોધ

વડોદરામાં ચોમાસાના આગમન ટાળે સામાન્ય વરસાદમાં જ શહેરના રાજમાર્ગો હોય કે નેશનલ હાઈવે હોય તમામ રાજમાર્ગો પર ભ્રષ્ટાચારના મોટા ખાડા ફૂટી નીકળે છે. આ ભ્રષ્ટાચારના ઉબડ-ખાબડ બનેલા રાજમાર્ગો પરથી પસાર થવાનો ટેક્સ ચૂકવતી પ્રજાની કમર અને વાહનોને તોડી રહ્યા હોવાના બેનરો જાગૃત યુવાનો દ્વારા દુમાડ ચોકડી ખાતે લગાવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય
નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય

  • વડોદરાથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવેના માર્ગની બિસમાર હાલત
  • અકસ્માતોની વણઝાર સાથે ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં રોષ
  • દુમાડ બ્રિજ પર તંત્રની આંખો ઉઘાડતાં બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યો

વડોદરા: ચોમાસામાં તમામ રાજમાર્ગો ઉબડ-ખાબડ બની જતા વાહન ચાલકો પરેશાન છે, પરંતુ વડોદરાથી અમદાવાદને જોડતા હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા દુમાડ ચાર રસ્તા પર ટ્રાફિક જામ થવાની સાથે અકસ્માતોની ભરમાર ઉભી થઈ છે. તુટેલા રોડથી ત્રસ્ત લોકોએ દુમાડ બ્રિજ પાસે બેનરો લગાવી આક્રોશ ઠાલવ્યો હતો.

વિવિધ સૂત્રો સાથે કરાયો માર્ગ પર પડેલા ખાડાનો વિરોધ

આ બેનરો જનતારાજ સંગઠન દ્વારા લગાવવામાં આવ્યા હતા અને બેનરોમાં સારા રોડ આપો નહી તો ટોલ ટેક્ષમાંથી માફી આપો ,ભજીયા પણ બે દિવસ ચાલે છે આ રોડ એક દિવસ પણ નથી ચાલતો જેવા સૂત્રો લખી લોકોની કમર તોડતો અને ભ્રષ્ટાચારથી હલકી ગુણવતાના બનેલા રાજમાર્ગો પર ફૂટી નીકળેલા મોટા ખાડાઓ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

જાગૃત યુવાનોએ બેનરો લગાવી કર્યો વિરોધ

બ્રિજ નીચે 300થી 400 મીટરનો રોડ ભયાનક છે

જાગૃત યુવાઓ દ્વારા બનેલા જનતા રાજ સંગઠનના અગ્રણી મયુરભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદથી વડોદરાને જોડતો આ દુમાડ ખાતેનો બ્રિજ છે. આ બ્રિજ નીચે 300થી 400 મીટરનો રોડ એટલો ભયાનક છે, જેમાંથી કદાચ તમારા કમરના મણકા તુટી જાય, કમરની ગાદી કદાચ ખસી જાય. ગાડીઓના સસ્પેન્સર, જંપર તૂટી જાય મેઇન્ટેનન્સનો ખર્ચો, તમારી ગાડીનો હજાર, બે હજાર, પાંચ કે દસ હજાર જેટલો ખર્ચ આવે.

નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય

રોડ બનાવ્યાના 15 દિવસમાં જ રોડ હતો એવોને એવો થઇ ગયો

આ રોડ શાલીની અગ્રવાલ કલેક્ટર હતા, ત્યારે બે વખત આવેદનપત્ર પાઠવી આ રોડ બનાવડાવ્યો હતો. 24 કલાકમાં કામ ચાલુ થયું રોડ બન્યો, પરંતુ પાછો 15 દિવસમાં હતો એવોને એવો થઈ ગયો. અહીં ત્રણ ફૂટના ખાડા પડયા છે અને લંબાઈમાં જુવો તો કદાચ માર્ગ વિભાગના પ્રધાનોને આ ખાડામાં નાખીએ તેમ છતાં પણ ત્રણ ફૂટની જગ્યા બચે એટલા મોટા ખાડા પડયા છે. ત્યારે જઈને જનતાના સંગઠને આક્રોશ દ્વારા અલગ-અલગ સ્લોગનો રૂપી પોતાનો રોષ ઠાલવવા માટે આ બ્રિજને અડીને બેનરો, પોસ્ટરો લગાવ્યા છે.

અમને ગાંધીનગર જેવા રોડ આપો કાંતો ટોલ ટેક્સમાંથી માફી આપો: મયુરભાઈ

જો ભજીયા રાત્રે બનાવીએ તો એ પણ 2 દિવસ ચાલે છે, પણ આ રોડ નથી ચાલતો. અમને ગાંધીનગર જેવા રોડ આપો કાંતો ટોલ ટેક્સમાંથી માફી આપો. ભ્રષ્ટાચારી જે કોન્ટ્રાકટર છે તેને લગતા અલગ-અલગ પ્રકારે 12 બેનરો લગાવ્યા છે અને આવનારા સમયમાં જો સરકાર આની નોંધ નહીં લે અને દસથી પંદર દિવસમાં અલગ-અલગ જગ્યા પર કામ શરૂ નહીં થાય તો વડોદરા ,સુરત અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જનતા સંગઠન દ્વારા બેનરો લગાવવામાં આવશે.

જનતા ટેક્સ પણ ચૂકવે અને ફોટા પણ પાડે એટલી જનતા નવરી નથી: મયુરભાઈ

સરકાર દ્વારા કહેવામાં આવે છે કે, જે પણ કોઈ ખાડાના ફોટો હોય તે અમને મોકલો અમે રોડ બનાવીશું, પરંતુ અમે નવરા નથી. અમે ટેક્સ આપીએ છે. તમે જાતે રોડ વ્યવસ્થિત કરો. જે કોઈ નેતાઓ છે, ગમે તે પક્ષના તેમના કાર્યકરો દ્વારા સર્વે કરાવવામાં આવે. જનતા ટેક્સ પણ ચૂકવે અને ફોટા પણ પાડે એટલી જનતા નવરી નથી. કદાચ તમારા કાર્યકર્તાઓ, નેતાઓ નવરા હશે તેમ જણાવ્યું હતું.

વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય

આ પણ વાંચો-ધંધુકા ધોલેરા રોડ બન્યો ડિસ્કો પુલ...! ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન

આ પણ વાંચો-મહેસાણામાં રસ્તા પર ખાડારાજ, ગોકળગાય ગતિએ ચાલતું રીપેરીંગ કામ

ABOUT THE AUTHOR

...view details