વડોદરાઃ જિલ્લામાં લોકડાઉનમાં આર્થિક ભીંસના સકંજામાં પીસાયેલા વડોદરાના વકીલોએ કોર્ટ શરૂ કરવાની માગ સાથે કોર્ટની બહાર ધરણાં યોજ્યા હતા. જોકે, પોલીસે વિરોધ કરી રહેલા 7 વકીલોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
વડોદરામાં કોર્ટ ફરી શરૂ કરવાની માગ સાથે વકીલોએ ધરણાં યોજ્યા, પોલીસે કરી અટકાયત રાજ્યભરના વકીલોને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. કોર્ટ બંધ હોવાથી વકીલોએ પોતાની આવક ગુમાવી છે. જુનિયર વકીલો અને કોર્ટના અન્ય સ્ટાફની આર્થિક સ્થિતિ કફોડી બની છે, ત્યારે વકીલોએ કોર્ટ શરૂ કરવા માગ કરી છે. કોર્ટ શરૂ કરવાની માગ સાથે વકીલોએ ધરણા યોજ્યા હતા, તેમજ તેઓએ કોર્ટના સંકુલ બહાર જ મોરચો માંડ્યો હતો.
વકીલોએ ધરણા કરીને તંત્રને રજુઆત કરવા છતાં કોર્ટ શરૂ ન કરાતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. જોકે ધરણાં પર બેઠેલા વકીલોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે વકીલોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. ધરણાં પર બેઠેલા અંદાજે સાત વકીલોની ગોત્રી પોલીસે અટકાયત કરી હતી. પુનઃ કોર્ટ શરૂ કરવાની માગ સાથે કોર્ટ સંકુલ બહાર ધરણા પર બેઠેલા વકીલોની અટકાયત કરતા માહોલ ગરમાયો હતો.
કોરોના વાઇરસના કહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અનલોક-1 અને અનલોક-2માં સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓને છૂટ આપવામાં આવી છે, પરંતુ આશરે 4 મહિના થઈ ગયા હોવા છતાં કોર્ટ ફરી શરૂ ન કરતા જુનિયર વકીલો તેમજ કોર્ટના અન્ય સ્ટાફની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.