- સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો
- સ્વામીજીના નિધનને લઈ હરિભક્તોમાં શોક
વડોદરાઃ શહેર નજીક હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ( hariprasad swami )નું સોમવારે મોડી રાત્રે 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામીજીની ધણા સમયથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સોમવારે સાંજે તેમની તબીયત વધુ લથડતા તેમની સારવાર શરૂ કરાઈ હતી. અમીન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીના નિધનને લઈ હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામીજીને શ્રદ્ધાંજલી પાઠવી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી( hariprasad swami )ને શ્રદ્ધાંજલી પાઠવી હતી. મુખ્યપ્રધાને દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.
સ્વામીજીના આત્માની પરમ શાંતિ માટે મુખ્યપ્રધાને કરી પ્રાર્થના
મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામીજીના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.