ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સિંગાપોર-લંડનના વિઝા આપવાના બહાને 9.47 લાખની છેતરપિંડી

વડોદરાનાં સયાજીગંજ વિસ્તારમાં સિંગાપોર અને લંડનના વિઝા આપવાના બહાને વિદેશ જવા માંગતા લોકો પાસેથી નાણાં પડાવીને વિઝા નહીં આપી 9.47 લાખની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સયાજીગંજ પોલીસ મથકે નોંધાયો છે. તપાસ દરમિયાન અન્ય લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે છે.

વડોદરામાં સિંગાપોર-લંડનના વિઝા આપવાના બહાને 9.47 લાખની છેતરપિંડી
વડોદરામાં સિંગાપોર-લંડનના વિઝા આપવાના બહાને 9.47 લાખની છેતરપિંડી

By

Published : Feb 14, 2021, 10:42 AM IST

  • આણંદનાં દંપત્તિએ લંડન જવાની હતી ઈચ્છા
  • વડોદરાનાં મિત્ર થકી મળ્યા હતા લેભાગુ એજન્ટને
  • દંપત્તિ સિવાય પણ લંપટ એજન્ટે સેંકડો લોકો સાથે કરી હતી છેતરપિંડી


વડોદરા: મૂળ આણંદના દંપત્તિને પૈસા કમાવવા માટે લંડન જવું હોવાથી વડોદરાનાં સયાજીગંજ વિસ્તારમાં ઓફિસ ધરાવતા તેમના પરિચિત થકી એજન્ટને મળ્યા હતાં. આ એજન્ટે તેમને ટિકિટ અને વિજા માટેનાં ખર્ચ પેટે 1.50 લાખ લીધા બાદ છેતરપિંડી કરતા આ અંગે સયાજીગંજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસ તપાસમાં છેતરપિંડી કરનાર ભેજાબાજે અન્ય સેંકડો લોકો પાસેથી 9.47 લાખનું ફૂલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે.

નાણાં કમાવવા પત્ની સાથે લંડન જવાનો પ્લાન બનાવ્યો હતો

આણંદ ખાતે રહેતા પરેશકુમાર પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નાણાં કમાવવા માટે પત્ની સાથે લંડન જવા પ્લાન બનાવી રહ્યા હતાં. જેના માટે સારો એજન્ટ શોધતી વખતે નડિયાદ ખાતે રહેતા અને સયાજીગંજ સ્થિત અલંકાર ટાવરમાં ફોટોગ્રાફરની ઓફિસ ધરાવતા તેમના મિત્ર રવિભાઈ બારોટનો સંપર્ક સાધ્યો હતો. રવિભાઈએ જણાવ્યું હતું કે, મારી પાસે એક વિશ્વાસુ એજન્ટ છે, તેણે ઘણા બધા માણસોનું સારું કામ કર્યું છે અને તમારા કામની પણ હું બાહેધરી આપું છું. ત્યારબાદ તેમના મિત્રોએ ભાવેશ ઘનશ્યામ વાણંદનો સંપર્ક સાધ્યો હતો અને વાતચીત દરમિયાન 18 લાખનો ખર્ચો થશે તેમજ ટિકિટ પેટે એડવાન્સ 1.50 લાખ આપ્યા હતા. ત્યારબાદ દિલ્હી ખાતે પાઉન્ડમાં કન્વર્ટ કરવા 2.50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

એક જ મોડસ ઓપરેન્ડીથી જુદા-જુદા લોકોનાં 9.47 લાખ ઝબ્બે કર્યા

2 દિવસમાં ટિકિટ મળી જવાની ખાતરી આપતા તેઓએ દિલ્હી રોકાણ કર્યું હતું. પરંતુ ટિકિટ ન મળતા તેઓએ ભાવેશભાઈનો સંપર્ક સાધતા સંપર્ક થયો ન હતો. જેથી તેઓએ પોલીસનો સંપર્ક કરતા ભાવેશે જણાવ્યું હતું કે, તમે પોલીસ કેસ કર્યો છે એટલે હવે હું રૂપિયા આપવાનો નથી. ફરિયાદના આધારે પોલીસે ભાવેશ વાણંદ અને રવિ બારોટ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાવેશે અન્ય વ્યક્તિઓ પાસેથી પણ આ પ્રકારે નાણાં પણ પડાવ્યા છે. પિયુષભાઈ પટેલનાં 10 હજાર, અભિષેક પારેખનાં 1.50 લાખ, રફિકભાઈનાં 95 હજાર, ભાવિન પરમારનાં 1 લાખ, ડિસોઝા જોસેફનાં 47 હજાર, જયેશકુમારનાં 98,500, પીટર ફર્નાન્ડીઝનાં 47 હજાર મળીને અંદાજિત 9,47,500 તેમજ અન્ય બીજા ઘણા વ્યક્તિઓ પાસેથી નાણાં ખંખેરીને પરત ન આપ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details