- પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રવિવારે સુરતમાં 75 દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
- ૭૫ મુમુક્ષુ સાવજોનું પુસ્તક પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું
- સુરત જૈન નગરી છે અને હંમેશા ધર્મ પ્રત્યે નવું ડેસ્ટિનેશન ઉભુ કર્યું છે : રૂપાણી
સુરત : શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં, ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મ ના મહાનાયક યોગતિલકસૂરીશ્વરજી મહારાજા ની જગમશહૂર વાણીના પ્રભાવે વેસુ બલર હાઉસ ખાતે અઘ્યાત્મ નગરીમાં થનારી 75 સામૂહિક દીક્ષા મહોત્સવમાં રવિવારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પધાર્યા હતા. ઢોલ નગારા અને શરણાઈના નાદ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘણી અને રાજ્યના પ્રધાન વિનુભાઈ મોરડીયા,ધારાસભ્ય કાન્તીભાઈ બલર તથા સુરતના પૂર્વ ડે. મેયર જૈન અગ્રણી નિરવભાઈ શાહ,કેતનભાઇ મહેતા તથા અનેક જૈન અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
75 દીક્ષાએ આનંદ અને ઐતિહાસિક પ્રસંગ છે
પોતાના ઉદ્દબોધનમાં વિજયભાઈ જણાવ્યું હતું કે સુરત જૈન નગરી છે. સુરતે હંમેશા ધર્મ પ્રત્યે નવું ડેસ્ટિનેશન ઉભુ કર્યું છે. 75 દીક્ષાએ આનંદ અને ઐતિહાસિક પ્રસંગ છે. દીક્ષાએ નાની વાત નથી, ગુરુ મહારાજાના આશીર્વાદથી જ સંસાર છોડવાની તાકાત આવે છે. જૈન ફિલસૂફીમાં ત્યાગનો ખૂબ મહિમા છે. તેમણે કહ્યું કે મેં જે પદ છોડ્યું એ કશું જ નથી. આ 75 દીક્ષાર્થીઓ જે છોડી રહ્યાં છે એની સામે આ બધું ગૌણ છે. કાંઈ નથી અને બાવા બની રહ્યા છે એવું નહીં પણ ધનાઢ્ય, યુવાનો, ડીગ્રીધારીઓ, પોતાની પાસે બધું જ છે છતાં છોડી રહ્યાં છે એ ખૂબ મોટી વાત છે. દિક્ષાર્થીઓ જે છોડી રહ્યા છે મહાપરાક્રમ છે. તેથી હું આ દીક્ષાર્થીઓનો વંદન કરૂં છું.
મોહ બધું ભીતરથી છોડવાની વાત
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજના યુગમાં યુવાન દિશાવિહીન બન્યો છે ત્યારે આ દિક્ષાર્થીઓ આત્મકલ્યાણ માટે દીક્ષા લઈ રહ્યાં છે એ આ સમયની મોટી ઘટના છે. સન્યાસનો મતલબ માત્ર પરિવાર કે ધન દોલત છોડવું એટલો નથી પણ પોતાના કામ, ક્રોધ, લોભ, મોહ બધું ભીતરથી છોડવાની વાત છે. ભગવાન મહાવીરની આ રાહને દિક્ષાર્થીઓ ઉજમાળ કરશે. વિજયભાઈ એ ઉપધાનતપના તપસ્વીઓની શાતા પૂછીને એમને પણ વંદન કર્યા હતા. બાદમાં તમામ દિક્ષાર્થીઓનો અક્ષતથી વધાવ્યા હતા.
અમે અહીં આવીને પાવન અને ધન્ય થયા છીએ
આ પ્રસંગે શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘણીએ જિન શાસનનો જયનાદ કરીને જણાવ્યું હતું કે આજના અવસરે અમે અહીં આવીને પાવન અને ધન્ય થયા છીએ. તો દિક્ષાર્થીઓ તથા સાધુ ભગવંતોના દર્શનનો મોકો મળ્યો એ બદલ પણ તેમણે ધન્યતા વ્યક્ત કરી હતી. બધા મહેમાનોએ તમામ દીક્ષાર્થીઓના અક્ષતથી વધામણાં કર્યા હતા આ પ્રસંગે શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવારના ટ્રસ્ટીગણ તથા ઉપધાનના લાભાર્થી સંઘવી પરિવાર દ્વારા પધારેલા માનવંતા મહેમાનોનું બહુમાન કરાયું હતું અને સૌ મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આજે અધ્યાત્મનગરીમાં 500 જેટલી માળના ચઢાવા અદ્દભુત માહોલમાં, બોલાયા હતા તથા સાંજે જિનાલયમાં મહાપૂજા તથા મહાઆરતી થઇ