- Vareli Fire Mishap માં 2 કામદારોના મોત નિપજ્યાં હતાં
- કંપનીના માલિકો અને મેનેજર સામે Homicide નો ગુનો નોંધાયો
- ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ
બારડોલી : સોમવારે મળસ્કે 4.30 વાગ્યાની આસપાસ વરેલી ખાતે આવેલી વિવા પેકેજિંગ નામની ફેક્ટરીમાં ભીષણ આગ (Vareli Fire Mishap) ફાટી નીકળી હતી. માસ્ક અને પેકિંગ બેગ બનાવતી કંપનીના ગ્રાઉંડ ફ્લોર પર અચાનક આગ લાગી ગઈ હતી. ફેક્ટરીમાં 200 જેટલા કામદારો ફસાયા હતા. જે પૈકી પાઇપ પરથી ઉતરવા જતાં અબ્દુલ કાદીર અબ્દુલ સમદ ભરવલિયા (ઉ.વર્ષ 23, રહે વિવા પેકેજિંગ,વરેલી તા. પલસાણા, જી. સુરત, મૂળ રહે કરહી, તા. બાંસી, જી. સિદ્ધાર્થ નગર, ઉત્તર પ્રદેશ)નું નીચે પડી જતાં મોત થયું હતું. જ્યારે અન્ય એક કામદાર મોહન ક્રિપાકાન્ત અમેરી ઝા (ઉ.વર્ષ 38, વિવા પેકેજિંગ, વરેલી)નું આગમાં બળી જવાથી મોત થયું હતું. જ્યારે અન્ય કેટલાક કામદારો દાઝતાંં તેમને સુરતની સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ફેક્ટરી સંચાલકોની બેદરકારી છતી થઈ
તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, (Kadodra GIDC) કારખાનામાંથી ઈમરજન્સીમાં બહાર નીકળવા માટેનો રસ્તો ઉપલબ્ધ ન હતો અને ફાયર કે સુરક્ષાની (Vareli Fire Mishap) અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. એટલું જ નહીં ફેક્ટરીનું કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું ન હતું. આથી ફેક્ટરીના માલિક અને સંચાલકો દ્વારા સોથી વધુ માણસો રાખી ફાયર સુવિધા કે બહાર નીકળવા માટે ઈમરજન્સી સુવિધા ન રાખી ગંભીર પ્રકારની બેદરકારી છતી થઈ હતી. આથી પોલીસે મૃતક મોહન ક્રિપાકાન્ત અમેરી ઝાના ભાઈ બસંતકુમારની ફરિયાદના આધારે ફેક્ટરીના માલિક જનકભાઈ મધુભાઈ જોગાણી, શૈલેષ વિનુભાઈ જોગાણી અને મેનેજર દિનેશ નાથાભાઈ વઘાસિયા વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
200થી 300 કામદારો કામ કરતાં હોવા છતાં ઈમરજન્સી સુવિધા નથી