- 1000 રૂપિયા દંડ ભરવાથી હવે મેળવી શકશો છુટકારો
- ATM કાર્ડ જેવું જ માસ્ક વેન્ડિંગ મશીન બનાવવામાં આવ્યુ
- મશીનમાં 100થી 5000 માસ્ક અંદર રાખી શકાય છે
સુરત:કોરોના કાળમાં અનેક વાર માસ્ક ભૂલી જવાની ઘટના સામે આવતી હોય છે. એના કારણે 1000 રૂપિયા દંડ પણ ભર્યો હશે. ત્યારે, સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના મંત્રથી પ્રભાવિત થઈ ખાસ માસ્ક વેન્ડિંગ મશીન બનાવાયું છે. આ મશીન સુરતની મહિલા સામાજિક કાર્યકર્તા અને તેમના યુવા મિત્ર દ્વારા બનાવાયું છે. જે રીતે ATMમાં કાર્ડથી રૂપિયા મેળવી શકીએ છીએ તે જ રીતે આ મશીનમાં એક અથવા 5ના સિક્કા નાખ્યાંં બાદ ડિસ્પોઝેબલ માસ્ક મળી રહેશે. આ મશીન જાહેર સ્થળો પર મૂકવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં માસ્ક ન પહેરનારાઓ પાસે દંડ નહિં વસૂલાઈ, ફક્ત માસ્ક અંગે જાગૃત કરાશે
કોરોનામાં માસ્ક અચૂક હથિયાર બની ગયું
કોરોના કાળમાં માસ્ક અચૂક હથિયાર બની ગયું છે. કોરોના કાળમાં લોકો માસ્ક ભૂલી જાય તો તેમની માટે એક ખાસ સુવિધા જાહેર સ્થળો પર રાખવામાં આવશે. આ હેતુથી સુરતના સામાજિક કાર્યકર્તા રૂપા શાહ અને તેમના મિત્ર દ્વારા આ ખાસ મશીન તૈયાર કરાયું છે. અગાઉ આ પ્રકારના મશીનમાં સેનેટરી પેડની સુવિધા મહિલાઓ માટે મૂકવામાં આવી હતી. પરંતુ, કોરોના કાળમાં આવું જ મશીન લોકોને માસ્ક મળી રહે આ વિચારથી તૈયાર કરવામાં આવ્યું છે.