સુરત: શહેરમાં ડાયમંડ જ્વલેરીના વેપાર સાથે સંકળાયેલા પ્રણય મહેતાનો 13 વર્ષીય પુત્ર નિધાન મહેતા બુધવારે સંયમનો માર્ગ અપનાવશે. 6 ધોરણ સુધી અભ્યાસ કરી ચૂકેલા નિધાનને ક્રિકેટમાં ખૂબ જ રસ હતો, પરંતુ સાંસારિક જીવન કરતા નિધાનને સાધુ જીવનમાં તમામ સુખો હોવાનું ગુરૂ આચાર્યની નિશ્રા દરમિયાન ખ્યાલ આવ્યો હતો. જેથી આચાર્ય શ્રી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિહાર કરી ચૂકેલા નિધાને પોતાના પિતાની તમામ સંપત્તિ સહિત સુખોને ત્યાગી સાધુ માર્ગ જીવન અપનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પરિવારે પણ પુત્રના આ નિર્ણયને આવકારી દીક્ષા લેવાની પરવાનગી આપી છે.
સુરતમાં ડાયમંડ જ્વેલરીના વેપારીનો 13 વર્ષીય દિકરો દીક્ષા લેશે
ડાયમંડ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો 13 વર્ષીય પુત્ર બુધવારે સાંસારિક જીવનના સુખોને ત્યાગી સાધુ માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યો છે. 13 વર્ષીય ડાયમંડ વેપારીના પુત્રની દીક્ષા અગાઉ મંગળવારે ભવ્ય વર્ષીદાન યાત્રા સુરત મુકામેથી કાઢવામાં આવી હતી. જેમાં ભવ્યાતિભવ્ય 15 જેટલી નૃત્ય મંડળીઓ જોવા મળી હતી.
દીક્ષા મુહૂર્ત બાદ મંગળવારે નિધાનની સુરત ખાતે ભવ્ય વર્ષીદાન યાત્રા કાઢવામાં આવી હતી. ઉમરા સ્થિત મણિભદ્ર નિવાસ સ્થાનેથી નીકળેલી આ વર્ષીદાન યાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. એટલું જ નહીં ભારતીય નૃત્યની 15 જેટલી મંડળીઓ પણ જોડાઈ હતી.
મુમુક્ષ નિધાન મહેતાની ક્રિસ્ટલ કમલમાં મંગળવારે વર્ષીદાન યાત્રા નીકળી હતી અને બુધવારે સુરતના ઉમરા સ્થિત રતનબાગ ખાતે દીક્ષા મંડપમાં સવારના 6 વાગ્યે ગુરૂભગવંતોની હાજરીમાં મુમુક્ષ નિધાન મહેતા દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે.