ગુજરાત

gujarat

ETV Bharat / city

તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ : મૃતકોના પરિજનોની આંખો આજે પણ ન્યાય ઝંખે છે

તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આજે પણ લોકોની નજર સમક્ષથી આ ગોઝારી અને હૃદયદ્રાવક ઘટના દૂર થઈ રહી નથી. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતા. આજે પણ પરિવારના સભ્યો આ દિવસને ભૂલ્યા નથી. તેમના માટે વર્ષની તારીખો ભલે બદલાઈ હોય, પરંતુ દરેક દિવસ 24 મે જેવો કાળો દિવસ જ છે. આજે પણ તેમની વેદના સ્વજનને ગૂમાવવાનો દુઃખ વ્યક્ત કરે છે. મૃતકોના પરિવારજનો બે વર્ષ બાદ પણ ન્યાયથી વંચિત છે.

By

Published : May 24, 2021, 8:09 PM IST

Updated : May 24, 2021, 9:35 PM IST

તક્ષશિલા અગ્નિકાંડ
તક્ષશિલા અગ્નિકાંડ

  • તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ
  • 24 મે, 2019ના રોજ તક્ષશિલા આર્કેડના અપર ફ્લોરના ડોમમાં આગ લાગી હતી
  • આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતા

સુરત : 24 મે, 2019 - સમય પોણા ચાર કલાક, અચાનક જ સુરત શહેરની તમામ ફાયર બ્રિગેડની ગાડી સાઇરનના ઘોંઘાટ સાથે સરથાણા ખાતે પુરઝડપે પહોંચવા લાગી, સરથાણાના તક્ષશિલા આર્કેડના અપર ફ્લોરના ડોમમાં આગ લાગી હતી. લોકો ભેગા થવા લાગ્યા હતા અને આ વચ્ચે કેટલાક બાળકો અને યુવાનો પોતાનો જીવ બચાવવા માટે આર્કેડ પરથી નીચે કૂદવા લાગ્યા હતા. આ દ્રશ્યો રુવાડા ઉભા કરનારા હતા. જેના બે વર્ષ બાદ પણ સુરતનો કોઈ પણ નાગરિક ભૂલી શક્યો નથી.

16 માસુમ આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા હતા

આ ઘટનામાં 16 માસુમ આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા હતા. જ્યારે 6 બાળકોએ પોતાનો જીવ બચાવવા કૂદતા, મોતને ભેટ્યા હતા. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ મૃત્યુ પામનારા લોકોના પરિવાર માટે જાણે આજે જ આ ઘટના બની હોય એવું લાગે છે. આ ઘટનાએ તેમની આત્માને ઝંઝોળીને રાખી દીધો છે.

માસુમોએ આર્કેડ પરથી કૂદીને જીવ ગુમાવ્યો હતો

સુરત જ નહીં, સમગ્ર દેશને હચમચાવી દેનારી આ ગાઝારી ઘટનામાં આરોપ હતો કે, ફાયર વિભાગના અધિકારીઓ સમયસર ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. એટલુ જ નહીં ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે જ્યારે આગ લાગી હતી, ત્યારે માર્કેટમાં આવેલા આર્ટ ગેલેરી અને અન્ય દુકાનોમાંથી લોકો નીકળી શક્યા ન હતા. આર્ટ ગેલેરીમાં ફસાયેલા તમામ બાળકો પોતાની રીતે જીવ બચાવવા માટે દોડતા રહ્યા હતા અને કેટલાક આગની જ્વાળાઓમાં હંમેશા માટે હોમાઈ ગયા હતાં, તો કેટલાક માસુમોએ આર્કેડ પરથી કૂદીને જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો -તક્ષશિલા અગ્નિકાંડ: ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશનરને કેન્દ્ર માનવાધિકાર કમિશન દ્વારા નોટિસ

વાલીઓ દ્વારા આજદિન સુધી લડત ચલાવવામાં આવી રહી છે

આ સમગ્ર ઘટના બાદ કોમ્પ્લેક્સના બિલ્ડર, સુરત મનપાના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ દાખલ કરીને કાયદાકીય પગલા ભરવામાં આવ્યા હતા. તેમ છતાં વાલીઓને લાગે છે કે, અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓ સુધી આ તપાસ પહોંચી નથી, જેની લડત વાલીઓ દ્વારા આજદિન સુધી ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ સુરત મનપાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, આ ઘટના બાદ ફાયર વિભાગનું આખું સ્ટ્રક્ચર જ બદલી દેવામાં આવ્યુ છે. ફાયર સ્ટેશનની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને લઈ મહાનગરપાલિકા સખ્તાઈ બતાવી રહી છે. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો -હાઈકોર્ટે સુરત અગ્નિકાંડના 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા

કોર્ટ તમામ જવાબદાર અધિકારીઓ સામે તેમને ન્યાય અપાવશે, તેવી વાલીઓને આશા

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ ભલે સુરત મહાનગરપાલિકાએ ફાયર વિભાગના બજેટમાં વધારો કર્યો હોય નવા ઉપકરણ ખરીદ્યા હોય, પરંતુ 22 માસુમ જીવોના પરિવારો આજે પણ પોતાના સ્વજનો માટે ઝઝૂમી રહ્યા છે. એટલું જ નહી આ ઘટનાક્રમમાં જવાબદાર 11 જેટલા અધિકારીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને કોવિડ 19 માટે ફરીથી ફરજ પર લેવામાં આવ્યા છે, ત્યારે હવે પરિવારને માત્ર એક જ આશા છે કે, કોર્ટ તમામ જવાબદાર અધિકારીઓ સામે તેમને ન્યાય અપાવશે.

જાણો શું છે તક્ષશિલા અગ્નિકાંડ?

25 મે, 2019 : સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગી ભીષણ આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ

સુરતઃ શહેરના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાથી 22 વિદ્યાર્થીના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે, બાળકો પોતાના જીવ બચાવવા માટે છલાંગ લગાવી હતી. આગ લાગતા અંદાજે 10 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.આ ભયાનક આગ દુર્ઘટનાના સમગ્ર રાજ્ય સહિત દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. તો મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી પણ ઘટના સ્થળે પહોંચી દુ:ખ વ્યકત કર્યું હતું. તેમજ મૃતકોને 4 લાખની સહાય જાહેર કરી હતી. આ ઉપરાંત તપાસના આદેશ આપ્યા હતા. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. સાથે જ ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને બનતી તમામ મદદ અને સહાય કરવા માટે જણાવ્યું હતું.

Jul 22, 2019 - તક્ષશિલા અગ્નિકાંડ મામલો: 11ની ધરપકડ, 3 ભાગેડૂ જાહેર

સુરત: શહેરના સરથાણામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં થયેલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડોમ આગના કારણે સળગી ગયો હતો. આ દુર્ઘટનામાં પોલીસે જવાબદાર લોકોની ધરપકડ કરી હતી. દેશભરને હચમચાવી નાખનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત નિપજ્યા હતા. આ બાળકોના મોત પાછળ પણ માત્ર તંત્ર જવાબદાર છે. પરતું આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં સુરતની આ બદકિસ્મતી જ કહી શકાય કે આ બાળકોના માતા -પિતા હજૂ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે 14 આરોપીઓ વિરુદ્ધ 4271 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. 11ની ધરપકડ કરવામાં આવી છે. અને ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Jul 13, 2020 - તક્ષશિલા અગ્નિકાંડ: હાઈકોર્ટે જુનિયર એન્જીનિયરના જામીન મંજૂર કર્યા

સુરત અગ્નિકાંડના મુખ્ય આરોપીઓ પૈકી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર એન્જીનિયર અતુલ ગૌરસાવાલાના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. 2019માં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગના બનાવમાં વિદ્યાર્થીઓના મોત બાદ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Aug 28, 2020 - તક્ષશિલા અગ્નિકાંડ: હાઈકોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા

વર્ષ 2019 સુરત અગ્નિકાંડના મુખ્ય આરોપીઓ પૈકીના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરાગ મુનશી અને ડેપ્યુટી એન્જિનિયર હિમાંશુ ગજ્જરના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, બે મહિના પહેલા આ કેસમાં જુનિયર એન્જિનિયર અતુલ ગોરસાવાલના પણ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

Aug 31, 2020 - તક્ષશિલા અગ્નિકાંડ: ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશનરને કેન્દ્ર માનવાધિકાર કમિશન દ્વારા નોટિસ

તક્ષશિલા અગ્નિકાંડ ફરિયાદ મુદ્દે 'કેન્દ્ર માનવ અધિકાર કમિશન' દ્વારા તારીખ 30 ઓગસ્ટ, 2020ના રોજ પત્ર જારી કરીને સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પાસે વધુ વિગત રજૂ કરવા આદેશ આપ્યો છે. જે નોટિસની નકલ અરજદાર સંજય ઇઝાવાને પણ મોકલીને કાર્યવાહીની જાણ કરવામાં આવી હતી.

તારીખ 25 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા ફરિયાદને ધ્યાનમાં લીઇ નીચે મુજબ નિર્દેશો કરવામાં આવ્યા હતા:

  • સંબંધિત અધિકારીએ ફરિયાદની એક નકલ અને કરેલ કાર્યવાહી સાથે ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
  • સંબંધિત અધિકારીઓ પણ કમિશનને ધ્યાન દોરવાનું રહશે કે, સંબંધિત રાજ્ય માનવાધિકાર આયોગ તરફથી જો કોઈ સૂચના, હુકમ વગેરે હોય તો, ત્વરિત તે બાબતે તેમના દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી હુકમની નકલ 4 અઠવાડિયામાં કમિશનને મોકલવાની રહેશે.
  • ફરિયાદની એક નકલ સંબંધિત રાજ્ય માનવાધિકાર આયોગના સચિવને પણ મોકલી આપવાની રહેશે અને તેઓને આ કમિશનને 4 અઠવાડિયાની અંદર ત્વરિત આ બાબતે લેવાયેલી નોંધની તારીખ, જો કોઈ હોય તો, જાણ કરવાની તાકીદ કરી છે.
  • સુરત પોલીસ કમિશનર દ્વારા કમિશનના નિર્દેશોના અનુસંધાનમાં સુરત, તા. 9-2-2020ના રોજ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું છે કે, 11 આરોપીઓ સામે ચાર્જશીટ ઘડવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ કેસ અંગે વધુ તપાસ થઈ રહી છે. આ રિપોર્ટ કમિશન દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે.
  • મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તારીખ 8-7-2020ના રોજની સુપરત કરવામાં આવેલા અહેવાલોની નોંધ લીધી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત તરફથીના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
  • C.R.No. 246/2019ના તક્ષશિલા અગ્નિકાંડની તપાસની વર્તમાન સ્થિતિ નોંધાવવા સૂચના કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા સુરત પોલીસ કમિશનરને આપવામાં આવી છે. સરથાણા PSI દ્વારા 6 સપ્તાહની અંદર કલમ 304, 308, 114 હેઠળ નોંધાયેલ IPCની કલમ 465, 476, 468, 471 પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
  • કેન્દ્ર માનવ અધિકાર કમિશન, રજિસ્ટ્રી દ્વારા મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, સુરત જિલ્લાને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, 6 અઠવાડિયાની અંદર અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલો અહેવાલ રજૂ કરવાનો રહેશે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાંથી મ્યુનિસિપલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ નિષ્ફળ થશે, તો બન્ને અધિકારીઓને કમિશન આગળ પોતે હાજર નહીં રહેવા માટેની જોગવાઈ PHR એક્ટ, 1993ની કલમ 13 મુજબ રદ્દ કરવામાં આવશે.
  • આ મામલે પંચ દ્વારા નિર્દેશિત સંપૂર્ણ અહેવાલ તારીખ 21/10/2020 સુધીમાં કમિશને મોકલવામાં આવે, જેથી કમિશન આગળની કાર્યવાહી કરી શકે.
Last Updated : May 24, 2021, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details