સુરત: હંમેશા ધમધમતું સુરત શહેર અન્ય રાજ્યોમાંથી આવનારા લાખો લોકોને રોજગારી આપે છે, પરંતુ હાલ લોકડાઉન હોવાના કારણે અન્ય રાજ્યોથી આવેલા કારીગરોની હાલત કફોડી બની છે. સુરતના ટેકસટાઇલ માર્કેટમાં કામ કરનારા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સાના શ્રમિકોને રોજગારી આપે છે, પરંતુ માર્ચ મહિનાની 23 તારીખથી લાગેલા લોકડાઉનના કારણે તેમની હાલત દયનીય બની છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શક્તિનગરના 4 મકાનોમાં આશરે 18 જેટલા શ્રમિકો રહે છે. જે લુમ્સ કારખાનામાં કામ કરે છે. અચાનક જ લાગેલા લોકડાઉનના કારણે આ શ્રમિકો 24 કલાક મકાનમાં રહેવા મજબૂર થયા છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સની વાત કરવામાં આવે, ત્યારે આવા નાના મકાનમાં આટલા લોકો સોશિયલ ડિસ્ટનસિંગ રાખી શકે એમ નથી.
લૉકડાઉન વચ્ચે સુરતના કામદારોની હાલત કફોડી, ચાર મકાનમાં રહે છે 18 શ્રમિકો આ અંગે બિહારથી આવેલા મોહમદ માજીદે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પગાર મળ્યો નથી. કારખાનેદાર પણ મળવા આવતા નથી અને સૌથી મોટી સમસ્યા રોજે જમવાની છે. એક-બે સંસ્થાઓ દ્વારા 2 દિવસનું જમવાનું આપી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
તેમણે વધુમાં કહ્યું કે, તેમની પાસે જે રૂપિયા હતા, તે અનાજ ખરીદવામાં ખર્ચ થઇ ગયા છે. પરિવારની ચિંતા છે પગાર નહીં મળતાં પરિવારને કેવી રીતે ભરણપોષણ માટે ખર્ચ આપીશું તે મોટી સમસ્યા છે. હાલ કોઈ રોજગારી નહીં હોવાના કારણે અમે અમારા વતન જવા માગીએ છીંએ.
સુરતના સરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને મધ્ય પ્રદેશથી આવેલા મુકેશ કુશવાહાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી પગાર મળ્યો નથી અને મારા જેવા અનેક લોકો અહીં રહે છે. હાલ કોઈ રોજગારી નથી અને લાગે છે કે, આવનારા દિવસોમાં પણ રોજગારને લઈને પ્રશ્ન રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આવનારા દિવસોમાં બાળકોના સ્કૂલની ફી અને તેમના જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદવાની છે. જેથી આવી પરિસ્થિતિમાં કેવી રીતે ઘર ચલાવવું એ મોટી સમસ્યા છે.