જ્યાં નિખિલે જણાવ્યું કે, આંદોલન દરમિયાન અસંખ્ય કેસો કરવામાં આવ્યા છતાં પોલીસ દ્વારા તેમની હજી સુધી અટકાયત કરવામાં આવી નથી. પરંતુ લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પોલીસ કોઇપણ રીતે તેમની ધરપકડ કરી શકે તેવી આશંકાને પગલે બુધવારના રોજ સુરત કોર્ટમાં હાજર થવા ફરજ પડી છે.
સુરત પોલીસ થયેલા કેસોની વિગત તેમના વકીલને આપી સાથ સહકાર આપે તેવી આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરી છે. જ્યારે નિખિલના વકીલે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી નજીક છે અને પોલીસ પાટીદાર યુવાનોને કોઈક ને કોઈક કારણોસર બિનજરૂરી રીતે હેરાન કરવા માંગે છે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં થયેલ તોફાન અને આગચંપી જેવા બનાવને લઇ સુરત પોલીસ દ્વારા પાટીદારો પર અસંખ્ય કેસો કરવામાં આવ્યા હતા, જે કેસોમાં પાસના કન્વીનર નિખિલ સવાણી ઉપર નામ બહાર આવ્યું છે. તેમ છતાં સુરત પોલીસ દ્વારા નિખિલ સવાણીની અટકાયત અથવા ધરપકડ કરવામાં આવી ન હતી.
પરંતુ પાટીદાર અનામત આંદોલન દરમિયાન એસટી બસમાં તોડફોડ અને આગચંપીના કેસમાં નિખિલ સવાણીનું નામ બહાર આવતા વકીલ યશવંતસિંહ વાળા દ્વારા જાણ કરવામાં આવી હતી.
ત્યારે બુધવારના રોજ નિખિલ સવાણી પોતાના પર થયેલા કેસ મામલે સરેન્ડર કરવા સુરત કોર્ટમાં પોતાના વકીલ મારફતે પહોચ્યા હતા. નિખીલે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પોલીસ હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે. હમણાં સુધી મારા પર થયેલા કેસ મામલે મારી કોઈ પણ પ્રકારે અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. જેથી હું પોતે સામે ચાલીને કોર્ટ સમક્ષ હાજર થવા આવ્યો છું. હું આશા રાખું છુ કે, સુરત પોલીસ મારા વકીલને પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસોની તમામ માહિતી આપી સાથ સહકાર આપશે.
જ્યારે આ કેસોની અંદર નિખિલ સવાણીનું નામ બહાર આવ્યું તે અંગેની જાણ તેને તાત્કાલિક કરવામાં આવી. એટલું જ નહિ પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને પણ પાટીદારો પર નોંધાયેલા કેસ અંગેની વિસ્તૃત માહિતી આપવા અંગેની જાણ કરાઈ હતી. પરંતુ પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારનો સાથ સહકાર આપવામાં આવ્યો ન હતો. જેથી બુધવારના રોજ નિખિલ સવાણીને કોર્ટમાં હાજર થવા જાણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હમણાં સુધી ધરપકડ કરવામાં આવી ન હતી. પરંતુ જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદારોને વન બાય વન પોલીસ દ્વારા સરકારના ઇશારે ધરપકડ કરવામાં આવી રહી હોવાના આરોપ પૂર્વ પાસ કન્વીનર નિખિલ સવાણીએ કર્યા છે.