ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે સુરત પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશનની 'જીવન આસ્થા હેલ્પલાઇન'
ધોરણ 10 અને 12ની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પરીક્ષાના ભારને લઈ વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓ પરીક્ષાના ભારને લઈ કોઈ ખોટું પગલું ન ભરે આ માટે સુરતમાં જિલ્લા પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશન મુંબઈના નેજા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન ચાલે છે. આ હેલ્પલાઇને 2013થી લઇ અત્યાર સુધી ભારતભરના 327 જેટલા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને આત્મહત્યા કરવાથી રોક્યા છે.
સુરત: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને જેટલી ચિંતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છે, એટલી ચિંતા સુરત જિલ્લા પોલીસ અને વાંદરે વાલા ફાઉન્ડેશન મુંબઈને પણ છે. આ જ કારણ છે કે, બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવથી બચાવા માટે અને પરીક્ષામાં ઉપયોગી બનવા માટે બંને હેલ્પલાઇન શરૂ કરી છે. જીવન આસ્થા નામની આ હેલ્પલાઇન થકી વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇ ચાલતા માનસિક તણાવ અને મૂંઝવણ બાબતે કાઉન્સિલરથી વાતચીત કરી શકે છે. જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શહેર અને જિલ્લાના તમામ શાળાઓ બોર્ડના વિદ્યાર્થીઓને એક મહિના અગાઉ આપી દેવામાં પણ આવ્યા છે. એટલુ જ નહીં પરીક્ષાના હોલ ટિકિટમાં પણ આ હેલ્પ લાઇન નંબર આપવામાં આવે છે. જેથી બાળકો તણાવમાં આવી કોઈ ખોટું પગલું ન ભરે અને બાળકો માટે સંસ્થાએ ટોલ ફ્રી નંબર પર જાહેર કર્યો છે, જેમાં પહેલો નંબર 7304599834, 35, 36 અને 37 પર કૉલ કરી વિદ્યાર્થીઓ માનસિક તણાવથી મુક્તિ મેળવી શકે છે.