સુરત: શહેરના હજીરા ખાતે આવેલા અદાણી ઈન્ડસ્ટ્રીમાં એક વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવનારા 26 વર્ષીય અંબુજ શુક્લા ગત કેટલાક સમયથી જિંદગીથી કંટાળી ગયો હોવાથી માનસિક તણાવ અનુભવતો હતો. સોમવારે વહેલી સવારે જિંદગીથી કંટાળીને અડાજણના કેબલ સ્ટેઇડ બ્રિજ પર નદીમાં કૂદવા ગયો હતો. જેની જાણકારી પોલીસને થતા અડાજણ પોલીસ મથકના PSI એસ.વી.ચૌધરી તાત્કાલિક પહોંચ્યા હતા અને એક કલાક સુધી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગના જવાનો જ્યાં સુધી ઘટના સ્થળે ન આવે ત્યાં સુધી વાતોમાં ઊલજાવી રાખી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે PSI ચૌધરીએ જણાવ્યું કે, કંઈ પણ રીતે યુવાને બચાવવો હતો. જેથી આ યુવાનને વારંવાર પ્રશ્ન પૂછી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, તે કયા કારણોસર આત્મહત્યા કરવા માગે છે, પરંતુ તે કોઈ પણ જવાબ આપી રહ્યો નહોતો. આ યુવાનને બચાવવા માટે તેમણે પીવાનું પાણી આપવાનું કહ્યું હતું. પાણી આપવાનું કહેતા યુવાને બોટલ માટે હાથ આગળ ધર્યો હતો, ત્યારબાદ PSIએ ચતુરાઈપૂર્વક આ યુવાનનો હાથ પોતાની તરફ ખેંચી તેને રેલીગની બીજી તરફ સુરક્ષિત લઇ લીધો હતો.