સુરત: VNSGUના વાઇસ ચાન્સલરનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ કથિત ઓડિયો ક્લિપમાં આરોપ છે કે, વાઇસ ચાન્સલર હિન્દુ ધર્મના સાધુ-સંતો અંગે વિવાદીત ટિપ્પણી કરી રહ્યા છે અને તેમની તુલના અમેરિકાના પ્રાણીઓ સાથે કરી રહ્યા છે. આ ઉપરાંત આ ક્લિપમાં બ્રહ્મચર્યને લઈ પણ વિવાદીત ટિપ્પણી કરવામાં આવી છે. ઓડિયો વાયરલ થતા કેટલાક યુવાનો આજે VNSGU પહોંચ્યા હતા. આ યુવાનોમાં કેટલાક ડૉક્ટર બનીને VCના પૂતળાના મગજનું ઓપરેશન કર્યું હતું.
કથિત ઓડિયો ક્લિપના વિરોધમાં VC શિવેન્દ્ર ગુપ્તાના પૂતળાનું ઓપરેશન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર શિવેન્દ્ર ગુપ્તાના કથિત ઓડિયો ક્લિપ મુદ્દે વિવાદ વકર્યો છે. બુધવારે સુરતના કેટલાક યુવાનો ડૉક્ટર બની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગયા હતા અને કથિત ઓડિયો ક્લિપના વિરોધમાં શિવેન્દ્ર ગુપ્તાના પૂતળાનું ઓપરેશન કર્યું હતું.
કથિત ઓડિયો ક્લિપના વિરોધમાં VC શિવેન્દ્ર ગુપ્તાના પૂતળાનું ઓપરેશન
વિરોધ નોંધાવી રહેલા યુવાનોએ જણાવ્યું હતું કે, એક કથિત ઓડિયો ક્લિપ છે. તેમાં VC દ્વારા જે વિવાદીત ટિપ્પણી કરવામાં આવી છે, તે અંગે ઉમરા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. આ સાથે જ આ ઓડિયો ક્લિપની તપાસ કરવામાં આવે તેમજ ઓડિયો ક્લિપમાં જે અન્ય લોકોનો અવાજ આવી રહ્યો છે, તેમની સામે પણ તપાસ કરવામાં આવે.