- સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી
- ભારત સરકારે આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
- અમદાવાદના સુભાષ બ્રિજના છેડે આવેલ તેમના પૂતળાને કોઈએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા નહીં
અમદાવાદ: ભારતના ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ તે વખતના બંગાળ અને આજના ઓરિસ્સા ખાતે થયો હતો. તેઓ ભારતમાં નેતાજી તરીકે જાણીતા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્યને ઉખાડી ફેંકવા જર્મની અને જાપાનની મદદ લીધી હતી. વિદેશથી તેમને અંગ્રેજો સામે મોરચો ખોલી ભારતીય સૈન્યની રચના કરી હતી.
કોંગ્રેસના અધ્યક્ષ પદે રહી ચૂક્યા હતા સુભાષચંદ્ર બોઝ
સુભાષ કોંગ્રેસના અધ્યક્ષ પદે પણ રહી ચુક્યા છે. તેમણે યુનિવર્સિટી ઓફ કલકત્તા અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાંથી અભ્યાસ કર્યો હતો. 18 ઓગસ્ટ, 1945ના રોજ દેશની સેવા કરતાં એક પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુને લઈને ઘણી જ ચર્ચાઓ થઈ હતી. ભારત સરકાર દ્વારા આ મુદ્દે તપાસ પણ કરવામાં આવી હતી.
રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે
'તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા' જેવું સુપ્રસિદ્ધ વાક્ય આપનારા અને ભારતની આઝાદી માટે અંત સુધી લડનારા સુભાષચંદ્ર બોઝનો શનિવારનાં રોજ 125મો જન્મદિન છે. ભારત સરકારે આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાનાો કાર્યક્રમ દિલ્હી ખાતે ઉજવાયો હતો અને ગુજરાતમાં પરાક્રમ દિવસ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.
અમદાવાદમાં વિસરાયા સુભાષ
અમદાવાદમાં પ્રસિદ્ધ સુભાષ બ્રિજ આવેલો છે અને તેની નજીક સુભાષચંદ્ર બોઝનું વિશાળ પૂતળુ આવેલું છે. આશ્ચર્યજનક રીતે ત્યાં કોઈપણ રાજકીય નેતાઓ કે સ્વૈચ્છિક સંગઠનોએ આજે તેને હાર પહેરાવીને વંદન કરવા જેટલી તસ્દી પણ લીધી નથી. સુભાષના પૂતળા ઉપરની ધૂળ પણ સાફ કરવામાં આવી નથી. એમ પણ ભારતમાં લોકો જાતિવાદના નામે વહેંચાયેલા છે. અમુક જાતિના લોકો સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા આગળ પડતા હોય છે, તો અમુક જાતિના લોકો બાબાસાહેબ આંબેડકરને.
રાજકીય લાભ પાછળ દોડતા નેતાઓ
અતિ ઉત્સાહિત નેતાઓ હંમેશા રાજકીય લાભની પાછળ દોડતા હોય છે. જે મહાપુરુષ પાછળ તેમને રાજકીય લાભ દેખાય તેમણે જ તેઓ નમન અને વંદન કરતાં હોય છે. કોંગ્રેસના અધ્યક્ષ પદે રહી ચૂકેલા સુભાષને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ નથી. ભાજપે પોતાના લાભ ખાતર નેહરુની છબી દબાવવા સરદારનો ઉપયોગ કર્યો છે, જ્યારે સુભાષ અમદાવાદની મધ્યે એકલા ઉભા છે.