કસ્ટમ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા પતિ વિરુદ્ધ મામલતદાર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
સુરતના ખટોદરા વિસ્તારમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ સુરતના ડિઝાસ્ટર વિભાગમાં કાર્યરત મામલતદાર પત્નીએ પોતાના કસ્ટમ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા પતિ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ પુત્ર પ્રાપ્તિ માટે અવાર-નવાર માનસિક ત્રાસ આપવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુરત: જિલ્લામાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ તેના પતિ અને ભાવનગર કસ્ટમ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા પતિ અને પોતાના સાસુ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મામલદાર પત્નીએ તેમના પતિ અને સાસુ ઉપર આરોપ લગાવ્યો છે કે, તેઓ તેમની દિકરી પોતાની માસીને આપી દેવા તથા નોકરી નહીં કરવા માટે દબાણ કરતા હતા. તેમણે કહ્યું કે, પુત્ર પ્રાપ્તિ માટે પણ અવાર-નવાર તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ફરિયાદીએ 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો હતો અને ત્યારબાદ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.